સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th March 2023

સુત્રાપાડા, ગીર સોમનાથ દરીયાઇ પટ્ટામાં માછીમારોને અનોખી વિદ્યુત માછલી હાથ લાગીઃ કરંટ આપતી માછલી મળી આવતા સૌ ચોંકી ગયા

શિકારથી બચવા વિદ્યુત માછલી એકસાથે ડિસ્‍ચાર્જ થઇ 600 વોલ્‍ટ વિજળીનો આંચકો આપે

ગીમ સોમનાથઃ ગુજરાતને દેશમાં સૌથી મોટી 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે. ગુજરાતનો દરિયો રહસ્યોથી ભરેલો છે. બાર ગાઉએ બોલી બદલાય... તે અહી જગ્યાએ જગ્યાએ ગુજરાતના દરિયા કિનારાનું મોસમ અને મિજાજ બદલાતું રહે છે. ગુજરાતનો દરિયા કિનારો છીછરો છે. તેથી તેમાં એવુ બધુ સમાયેલું છે, જે રહસ્યો જેવું લાગે. ત્યારે ગુજરાતના રહસ્યી દરિયાઈ દુનિયામાંથી એક રહસ્યમયી જીવ મળી આવ્યું છે. ગુજરાતના દરિયાકાંઠેથી પહેલીવાર વિદ્યુત માછલી મળી આવી છે. જે કરંટ આપે છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના જીયોલોજી વિભાગના અધ્યાપક ડો.પી.સી.મંકોડીના ગાઇડન્સમાં પીએચડીના વિદ્યાર્થી ધવલ ભટ્ટ દ્વારા સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારા પર એક રિસર્ચ હાથ ધરાયુ હતું. જેમાં કાસ્થિમત્સ્ય વર્ગની વિધુત માછલી મળી આવી છે.

શું છે વિદ્યુત માછલી

આ નામ તેને તેની વિદ્યુત ઉત્પન્ન કરવાની શક્તિને લીધે મળ્યું છે. આ માછલી શિકાર કરવા અને શિકારીથી બચવા વીજળીનો ઉપયોગ કરે છે. તેના શરીરમાં જ ઈલેક્ટ્રોસાઈટ્સ કહેવાતા નાના નાના બેટરીના સેલ જેવા કોષો વીજળી નો સંગ્રહ કરે છે અને શિકાર કરતી વખતે અથવા શિકારીનો ભય હોય ત્યારે આ બધા કોષઓ એકસાથે ડીસ્ચાર્જ થાય છે. આથી ૬૦૦ વોલ્ટ જેટલી વીજળીનો આંચકો એ આપી શકે છે.

ક્યાંથી મળી આ માછલી

એમએસયુના રીસર્ચર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આ માછલી અમને રિસર્ચ દરમ્યાન સુત્રાપાડા, ગીર-સોમનાથના દરિયાકાંઠેથી મળી આવી હતી. ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાંથી સૌ પ્રથમ વાર મળી આવી છે. વિશ્વમાં આ માછલી દક્ષિણ આફ્રિકાથી જાપાન અને ઇન્ડોનેશિયા સુધી સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય ઈન્ડો-વેસ્ટ પેસિફિકના નિવાસસ્થાનમા જોવા મળે છે. પરંતુ તેનું અહી હોવુ આશ્ચર્ય જગાવે છે. આ માછલીના ભૌગોલિક વિષ્તરણનુ ઓમાન, ભારત, શ્રીલંકા, મલેશિયા, સિંગાપોર, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ, ચીન, તાઈવાન, જાપાન અને સંભવતઃ ફિલિપાઈન્સ સુધી જોવા મળે છે. પ્રકૃતિ સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સંઘ અનુસાર આ માછલીની વસતિની માહિતી ઉલલ્બધ નથી. જેના કારણે તેના સંરક્ષણના પગલાં અનિવાર્ય છે.

(5:40 pm IST)