સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th March 2020

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે કાર્યરત પોલીસ કર્મયોગીઓની ઋજુતા

કોરોનાના કારણે ઉદ્યોગ – ધંધા બંધ થતાં છેલ્લા ચાર દિવસ દરમિયાન ૧૩૦૦ થી વધુ પગપાળા તેમના વતન જઈ રહેલા ગભરાયેલા પરપ્રાંતિય મજૂર પરિવારોને પોલીસ કર્મીઓ દ્વારા ભોજન - પાણીની વ્યવસ્થાની સાથે વાહન દ્વારા તેમના વતન જવાની વ્યવસ્થા કરાઈ  

સમગ્ર દેશ અને દુનિયા આજે કોરોનાની મહામારી સામે લડી રહી છે. તેવા સમયે ગુજરાતમાં કોરોનાના કેસ ન વધે અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે રાજય સરકારના વિવિધ વિભાગો મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ કટીબધ્ધ બની કાર્ય કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આ મહામારીના સમયમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન નિચે જિલ્લાના પોલીસ કર્મીયોગીઓ લોકોમાં ભય ન ફેલાય અને લોકડાઉનનો કડક અમલ થાય તે માટે કાર્યરત છે.

જિલ્લામાં લોકડાઉનના સમય દરમિયાન કોઈપણ વ્યકિત ઘરની બહાર ન નિકળે તેની તકેદારીની સાથે દિવસ રાત જોયા વિના જિલ્લા બહારથી આવતા વાહનોના ચેકીંગની કામગીરી કરી રહેલા પોલીસ કર્મીઓએ રાજય સરકારની સંવેદનશીલતાના ધ્યેય મંત્રને સાર્થક કરતુ કાર્ય કરી સાચા અર્થમાં પોલીસ પ્રજાની મિત્ર છે તે પૂરવાર કર્યું છે.

વાત એવી છે કે, કોરોનાની મહામારીને નાથવા પહેલા રાજય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં અને ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરી લોકોને બહાર ન નિકળવા અનુરોધ કરવામાં આવ્યો. ગુજરાતની આવી પરિસ્થિતિમાં રાજકોટ અને મોરબી જિલ્લાના ઔદ્યોગિક એકમો બંધ થતાં તેમાં કામ કરી રહેલા પરપ્રાંતિય મજૂરો તેમના પરિવાર સાથે વતન જવા માટે નિકળી પડયા. પરંતુ વાહન વ્યવહાર બંધ થતાં  તેમના માટે વતન જવાની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ. આવા સમયમાં વતન પહોંચવા માટે તેમણે પગપાળા જ વતનની વાટ પકડી.

સુરેન્દ્રનગર જિલ્લાના એલ.સી.બી. ના પોલીસ ઈન્સ્પેકટરશ્રી દિપક ઢોલના જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, સાયલા અને માલવણ હાઈવે ઉપર પેટ્રોલીંગ કરી રહેલા અમારા પોલીસ કર્મીઓએ છેલ્લા ત્રણ – ચાર દિવસ દરમિયાન રાજકોટ – મોરબી જિલ્લામાંથી આવતા ગરીબ – મજૂર પરિવારોને જોયા, અલગ – અલગ સમયે, અલગ – અલગ રીતે પગપાળા આવી રહેલા આ પરિવારના સદસ્યો મહામારીની આ પરિસ્થિતિથી ખૂબ જ ગભરાઈ ગયા હતા. આ ગભરાયેલા પરિવારોના સદસ્યોને પોલીસ કર્મીઓએ સાંત્વના આપી. ત્યારબાદ તેમની આપવીતી જાણી ત્યારે તેમને ખબર પડી કે, આ પરિવારો તેમના વતન જવા માટે ભૂખ્યા – તરસ્યા જ ચાલી રહયાં છે. ફરજ પરના પોલીસ કર્મીઓએ તુરંત જ સ્થાનિક વેપારી મંડળ અને સ્વૈચ્છીક – સેવાભાવી તથા ધાર્મિક સંસ્થાઓનો સંપર્ક કરી આ પરિવારોના સભ્યો માટે જરૂરી પીવાનું પાણી અને ભોજનની વ્યવસ્થા કરી. ત્યારબાદ તેમના માટે જરૂરી વાહનની સુવિધા ઉપલબ્ધ કરાવી જુદા જુદા વાહનોમાં જરૂરી અંતર જળવાઈ  રહે તે રીતે તેમને તેમના વતન મોકલવામાં આવ્યા છે.

છેલ્લા ચારેક દિવસ દરમિયાન આવા ગરીબ પરિવારના ૧૩૦૦ થી વધુ લોકોને પોલીસના આ કર્મયોગી અધિકારી - કર્મચારીઓ દ્વારા જરૂરી તમામ સહકાર આપીને કોરોનાની આ મહામારીના સમયમાં રાજય સરકારની સંવેદનશીલતાને સાચા અર્થમાં ઉજાગર કરવાની સાથે તેમનામાં રહેલી ઋજુતાના દર્શન કરાવ્યા છે.(૨૩.૫)    સંકલનઃ

હેતલ દવે માહિતી ખાતુ સુરેન્દ્રનગર

(11:59 am IST)