સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th February 2019

મેળા પૂર્વે સંતોનો ગીરનારના વિકાસ માટે પ્રવાસ યોજાયો

ગીરનાર પર્વત ઉપરના તમામ ધર્મસ્થાનોના નાના મોટા પ્રશ્નો માટે સબંધીત અધિકારીઓ સાથે સંતોએ ધર્મસ્થાનોની મુલાકાત લીધી

જૂનાગઢ, તા. ૨૮ :. ગીરનાર મીની કુંભ મેળાની પૂર્વ સંધ્યાએ ગીરનાર મંડળના વરિષ્ઠ સંતોએ ગીરનારની યાત્રા કરી ગીરનાર પર્વત ઉપરના તમામ હિન્દુ ધર્મસ્થાનોના દર્શન અને પૂજન-અર્ચન કરી મેળો સુખરૂપ સંપન્ન થાય તેવી પ્રાર્થના સાથે ગીરનાર પર્વત ઉપરના દેવસ્થાનોની મુશ્કેલી અંગેનો અભ્યાસ કરેલ હતો. આ દિવ્ય યાત્રામાં જૂના અખાડાના સંરક્ષક અને ભવનાથ મંદિરના મહંત પૂ. હરીગીરીબાપુ સાથે રૂધેશ્વરજાગીર ભારતી આશ્રમના શ્રી મહંત અને ગીરનાર મંડળના અધ્યક્ષ શ્રી પૂ. ઈન્દ્રરભારતીબાપુ, અંબાજી મંદિરના શ્રી મહંત તનસુખગીરીબાપુ દત શીખર કમંડળ કુંડના મહંત સ્વામી મુકતાનંદગીરી બાપુ સહિતના સંતો સાથે ભવનાથના કોર્પોરેટર એભાભાઈ કટારા વગેરે એ ગીરનાર પર્વત ઉપરના તમામ દેવસ્થાનોની મુલાકાત વેળાએ જે તે વિભાગના સંલગ્ન અધિકારીઓના વન વિભાગના અધિકારી જરીફ ડોકલભાઈ, પી.જી.વી.સી.એલ.ના અધિકારીશ્રી સહિતના સંલગ્ન અધિકારીઓ આ યાત્રામાં સાથે રરહી સંતોએ સુચવેલા કાર્યો વહેલી તકે પૂર્ણ કરવા અને ગીરનારની યાત્રાએ પધારતા યાત્રિકોને પીવાનું શુદ્ધ પાણી અને ઈત્યાદી સુવિધા માટેના સૂચનો કરેલ હતા. ધર્મસ્થાનોના માલિકી હક્કો અને તેમની વ્યાજબી માંગણીઓ વહેલી તકે પૂર્ણ કરવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી સંલગ્ન તંત્રને રીપોર્ટ કરવા જણાવેલ હતું. ગીરનાર પર્વત ઉપરની એક માત્ર હિન્દુ ધર્મસ્થાન જટાશંકરની જર્જરીત હાલત અને ખંઢેરમાં ફેરવાયેલ જાજરમાન ઈમારત જોઈ અને દુઃખ વ્યકત કરેલ હતુ.

અન્ય ધર્મસ્થાનોમાં ગૌમુખી ગંગા, સાચા કાકાની જગ્યા, માળી પરબ, અંબાજી મંદિર ખાતે ચાલી રહેલી રોપ-વેની કામગીરી નિહાળી હતી અને મંદિર પરિષર જે ઉબડખાબડ અને અવિકસીત પરિષર જોઈને તંત્રને રોપ-વે શરૂ થાય તે પહેલા આ વિકાસ કાર્ય વહેલી તકે પૂર્ણ કરવા તંત્રને અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. ગુરૂ ગૌરખનાથજીની ટુક ઉપર પણ ધ્યાન કરી આગળ છેલ્લી ટુક ગુરૂ દત્તાત્રેય ભગવાનની દર્શન સાથે પૂજા-આરતી કરી ગુરૂ દત્તાત્રેય ભગવાનને સકલ લોકના કલ્યાણની પ્રાર્થના કરી કમંડળ કુંડ ખાતે ધુણીના દર્શન કરી કમંડલકુંડ અન્નક્ષેત્રમાં સ્વાદીષ્ટ પ્રસાદ ગ્રહણ કરી રસ્તા ઉપરના અન્ન ધર્મસ્થાનોમાં જૈન દેરાસર હસ્તના પાણીના કુંડો-વાવ વગેરેનું નિરીક્ષણ કરી વન વિભાગના અધિકારીશ્રી સાથે વિચારવિમર્શ કરી કુદરતી પાણીના સ્ત્રોત જે સાર્વજનિક હેતુ માટેના છે તે તમામ જળ સ્ત્રોતને પ્રવાસીના ઉપયોગ માટે લેવા તાકીદ કરી હતી.

 અંતમાં યાત્રા દરમિયાન જે બાબતો ધ્યાનમાં આવેલી હતી તે બાબતોનો સંબંધીત અધિકારીશ્રીઓને પત્ર લખી જણાવવામાં આવશે. ગીરનાર મંડળના સંતો દ્વારા પહેલીવાર નવતર પ્રયાસથી ગીરનાર પર્વત ઉપરના ધર્મસ્થાનોના મહંતો દ્વારા આવકાર મળેલ હતો અને તંત્ર પણ જરૂરી પગલા ભરે તેવી સંતો દ્વારા સરકારને અપીલ કરાઈ હતી.

(3:54 pm IST)