સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th February 2019

અમરેલી, રાજુલા અને ભાવનગરની દરીયાઇ પટ્ટીમાં રેન્જ વડા દ્વારા કોમ્બીંગ

અશોકકુમાર યાદવ - અમરેલી એસપી નિલિપ્ત રાય આઇબી, એસઓજી અને એલસીબીના કાફલા ત્રાટકતા અનેકવિધ અનુમાનોઃ શકમંદો ઘુસ્યાની વાતો બેબુનિયાદ : શંકાસ્પદ હિલચાલો તપાસવાનો હેતુઃ પીપાવાવના સિકયુરીટી અધિકારીઓ સાથે ચર્ચા કરી સુરક્ષાચક્ર રચ્યું: અકિલા સાથે ભાવનગરના ડીઆઇજી અશોકકુમાર યાદવની વાતચીતઃ અમદાવાદના તમામ પોલીસ મથકો પર કમાન્ડો ગોઠવાયાઃ જોડીયાથી રેતીની ગુણો તૈયાર કરી જામનગર એરપોર્ટ પર ગોઠવાઇઃ નરેન્દ્રભાઇએ ગુજરાતની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ચીફ સેક્રેટરી જે.એન.સિંઘ પાસેથી તમામ અપડેટ મેળવી : જુનાગઢના મીની કુંભ મેળાની સુરક્ષા વ્યવસ્થાનું આઇજી સુભાષ ત્રિવેદી-એસપી સૌરભસિંઘ અને ડીવાય એસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ ડીઆઇજી સંદીપસિંહના આદેશના પગલે- પગલે જામનગર એસપી શરદ સિંઘલ ટીમે દરીયાઇ પટ્ટીમાં નિરિક્ષણ કર્યુઃ ભારે ધમધમાટ

રાજકોટ, તા., ર૮: સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવભરી પરિસ્થિતિને ધ્યાને લઇ અઘોષીત યુધ્ધ જેવી તૈયારીઓ રાજયભરની બોર્ડર વિસ્તારો અને ૧૬૦૦ કિ.મી. જેટલા લાંબા દરીયાઇ વિસ્તારમાં પુરજોશથી ચાલી રહી છે.

ઉકત પરિસ્થિતિ સંદર્ભે દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગરના યુવાન અને તરવરીયા ડીઆઇજી અશોકકુમાર યાદવે મોડી રાત્રે અમરેલી અને ભાવનગરની દરીયાઇ સીમા પર બોટ મારફત પેટ્રોલીંગ કર્યુ હતું. તેમની સાથે અમરેલી એસપી નિર્લિપ્તરાય આઇબી, એસઓજી જેવી સુરક્ષા એજન્સીઓને સાથે રાખી દરીયાઇ સીમા પર કોમ્બીંગ કરી દરીયા કાંઠાના વિસ્તારના લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

ભાવનગર રેન્જ વડાની હકુમતમાં પીપાવાવ પોર્ટ સહિતની કંપનીની તથા ઔદ્યોગીક ઝોન હોવાના કારણે પીપાવાવના સિકયુરીટી ઓફ અધિકારીઓ સાથે મહત્વની બેઠકો મધરાતે કરતા અનેકવિધ ચર્ચાઓ શરૂ થઇ હતી. ઉકત બાબતે રેન્જ વડા અશોકકુમાર યાદવનો સંપર્ક સાધતા તેઓએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે તેઓએ બે બોટ લઇ રાજુલા, જાફરાબાદ, મહુવા, અલંગ વિસ્તારના મહત્વના પેટ્રોલીંગ પોઇન્ટની મુલાકાત લીધી હતી. કોઇ શંકાસ્પદ તત્વો ઘુસ્યાની ચર્ચા બેબુનિયાદ છે. તેઓએ અકિલાના માધ્યમથી લોકોને અપીલ કરી કોઇ શંકાસ્પદ પ્રવૃતિ હિલચાલ સામે આવે તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી. માચ્છીમારો સાથે તેઓએ બેઠક કરી તેઓને માર્ગદર્શન આપવા સાથે પોલીસના મહત્વના નંબરો પણ આપ્યા હતા. જામનગરના દરીયાઇ વિસ્તારોની મુલાકાત રેન્જ વડા સંદીપસિંહના નેતૃત્વ નીચે  જામનગર એસપી સહિતના અધિકારીઓએ લીધી હતી. દરમિયાન જામનગરના એરપોર્ટ પર જુનાગઢથી રેતીના બાચકાઓ મંગાવી જામનગર એરપોર્ટ પર ગોઠવવામાં આવ્યા છે.

જુનાગઢના મીનીકુંભ મેળાની સુરક્ષા રેન્જ વડા સુભાષ ત્રિવેદીએ બેવડાવી દીધી છે. તેઓએ અચાનક મેળાની સુરક્ષા વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કરેલ. તેઓની સાથે જુનાગઢના એસપી સૌરભસિંઘ અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા વિગેરે સાથે રહયા હતા.

કચ્છમાં બીએસએફ સાથે સંકલન સાધી સરહદી વિસ્તારોના ગામોમાં પણ વિજીલન્સ વધારવામાં આવ્યું છે. ચોક્કસ ગામોમાં અંધારપટ પણ અત્યારથી કરવામાં આવેલ છે. સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ નરેન્દ્રભાઇએ ગુજરાતની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ચીફ સેક્રેટરી જે.એન.સિંઘ પાસેથી તમામ અપડેટ મેળવી હતી.

દરમિયાન અમદાવાદના પ્રત્યેક પોલીસ મથકોમાં કમાન્ડો ગોઠવવામાં આવ્યા છે અને પોલીસ મથકોના ફ્રન્ટમાં રેતીની મોટી ગુણીઓ ગોઠવી દેવામાં આવી છે.

(12:02 pm IST)