સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th February 2019

વલ્લભીપુર પાલિકાના બાંધકામ શાખાના એન્જીનીયર હાર્દિક પટેલની ૬૫ હજારની લાંચ લેતા ધરપકડ

ભાવનગર તા.ર૮: ભાવનગર લાંચ રૂશ્વત વિરોધી ખાતાનાં સ્ટાફે વલ્લભીપુર નગરપાલિકાનાં બાંધકામ એન્જીનીયરને રૂ. ૬૫ હજારની લાંચ લેતાં રંગે હાથે ઝડપી લીધા હતા.

બનાવની વિગત એવી છે કે ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુરમાં રહેતા અને શિવાલય બિલ્ડર્સની પેઢીથી મકાનો-દુકાનોનું બાંધકામ કરતા કોન્ટ્રાકટર આનંદકુમાર બાવસંગ ચાવડાનું શિવાલય બંગ્લોઝ નામની સ્કીમમાં ૫૦ બંગલાઓનું બાંધકામ ચાલુ હતું જે મકાનનાં બાંધકામનાં પ્લાન કરવા એક મકાનનાં પ્લાનના સરકારી ફી મુજબ રૂ. ૪૦૦ થી પ૦૦ થાય છે પરંતુ વલ્લભીપુર નગરપાલિકાનાં બાંધકામ એન્જીનીયર હાદિૃકભાઇ મનસુખભાઇ પટેલ એ આનંદકુમાર પાસે એક મકાનનો પ્લાન પાસ કરવાનાં રૂ. ૭૫૦૦ લેખે કુલ રૂ. ૩,૭૫૦૦૦ની લાંચની માંગણી કરેલ જે રકઝકને અંતે રૂ. ૨૯૦૦૦૦ આપવાનાં નક્કી થયેલ જે પેકીનાં અગાઉ આપેલ લાંચના રૂપિયા બાદ એન્જીનીયર હાર્દિકભાઇએ કોન્ટ્રાકટર આનંદભાઇ પાસે મકાન પ્લાન પાસ કરવાના તથા રૂ. ૧૫૦૦૦ દુકાનોના પ્લાન પાસ કરવાના મળી કુલ રૂ. ૬૫૦૦૦ની બાકીની રકમની માંગણી કરતાં એન્જીનીયર આ વધારાની લાંચ આવપા માંગતા ન હોય આ અંગે ભાવનગર લાંચ રૂશ્વત વિરોધી ખાતાને ફરિયાદ કરતાં લાંચ રૂશ્વત વિરોધીખાતાનાં સ્ટાફે શહેરનાં વિકટોરીયા પાર્ક સામે હિમાલયા મોલ હોટલ સિટી પ્રાઇડ સામે છટકુ ગોઠવી કોન્ટ્રાકટર પાસેથી રૂ. ૬૫ હજારની લાંચ લેતા બાંધકામ એન્જીનીયર હાર્દિકભાઇ પટેલને રંગે હાથ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સફળ છટકાની કામગીરીમાં લાંચ રૂશ્વત વિરોધીખાતાનાં પી.આઇ. ઝેડ જી. ચૌહાણ તથા સ્ટાફનાં સતીષભાઇ ચૌહાણ, અરવિંદભાઇ વંકાણી, કમલેશભાઇ વાઘેલા, રાજેન્દ્રસિંહ રાણા, દિવ્યરાજસિંહ ગોહિલ, મહિપતસિંહ ગોહિલ, માલાભાઇ ભરવાડ, ડી.કે. બારૈયા વિગેરે જોડાયા હતાં.

(11:38 am IST)