સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th February 2019

કાલે યોગી આદિત્યનાથજી- વિજયભાઈ જૂનાગઢ કુંભમેળામાં

ગિરનાર શિવરાત્રી કુંભમેળાનો આજે બીજો દિવસઃ પ્રથમ વખત ભૂતનાથથી ભવનાથ ડમરૂ યાત્રાઃ ગિરનાર રોપ-વેના સાધનોની પ્રદર્શની સહિતના કાર્યક્રમોઃ ભકિત, ભજન અને ભોજનનો તળેટી વિસ્તારમાં ત્રિવેણી સંગમઃ કાલે રાત્રે કૈલાસ ખેરનો કાર્યક્રમ

જૂનાગઢ, તા. ૨૮ :. ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ દાદાના સાનિધ્યમાં ગઈકાલથી શરૂ થયેલ ગિરનાર શિવરાત્રી કુંભમેળાનો આજે બીજો દિવસ છે. કુંભમેળામાં પ્રથમ દિવસે ભાવિકોની પાંખી હાજરી રહ્યા બાદ આજે બપોર બાદથી મેળામાં ભાવિકોનો વધારો થવાની શકયતા છે.

પ્રથમ દિવસથી ભકિત, ભજન અને ભોજન શરૂ થવાથી તળેટી વિસ્તારમાં ધાર્મિક, આધ્યાત્મિક માહોલ સર્જાયો છે.

ગિરનાર શિવરાત્રી કુંભમેળાના ભાગરૂપે આજે પ્રથમ વખત ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. ડમરૂ યાત્રા સાંજે ૪ કલાકે જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂ થશે.

તળેટી સ્થિત ભવનાથ મહાદેવ મંદિર સુધીની ડમરૂ યાત્રામાં દેશભરમાંથી ૧૦૦૦ જેટલા ડમરૂ વાદકો જોડાશે. આ યાત્રાના સ્વાગત માટે શહેરના વિવિધ માર્ગો પર તૈયારીઓ કરવામાં આવી છે. ડમરૂ યાત્રા ઉપરાંત આજે બપોરથી ગિરનાર તળેટી પાર્કિંગ ખાતે ગિરનાર રોપ-વેના સાધનોની પ્રદર્શની યોજવામાં આવી છે. સાંજે ૬.૩૦ કલાકે લેસર અને લાઈટ શો બાદ રાત્રે ૮ થી ૧૧ પ્રકૃતિધામ,  ભવનાથ ખાતે ભરતભાઈ બારૈયા અને શીતલબેન બારોટના શિવ તાંડવ અને શિવ ઉપાસનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

આ પ્રસંગે કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી આર.સી. ફળદુ તેમજ શ્રમ અને રોજગાર, યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપકુમાર ઠાકોર વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

ગઈકાલે મેળાના પ્રથમ દિવસની રાત્રીના કાર્યક્રમોને માણવા માટે શહેરીજનો ઉમટી પડયા હતા અને ભારતી આશ્રમ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ, લક્ષ્મણ બારોટનો ઉતારો સહિતની જગ્યા ખાતે મોડી રાત્રી સુધી સંતવાણીની જમાવટ થઈ હતી.

મેળાની સફળતા અને વ્યવસ્થા માટે કલેકટર ડો. સૌરભ પારઘી, આઈજી સુભાષ ત્રિવેદી, એસપી સૌરભસિંઘ તેમજ મનપાના અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે.

કાલે તા. ૧લી માર્ચના રોજ ગિરનાર શિવરાત્રી કુંભમેળા અંતર્ગત સાંજે ૩ થી ૭ પ્રકૃતિધામ સંત સંમેલન આયોજીત કરાયુ છે. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી શ્રી આદિત્યનાથજી, હિન્દુ ધર્મ આચાર્યસભાના કન્વીનર અને સેક્રેટરી જનરલ શ્રી પરમાત્માનંદજી ખાસ ઉપસ્થિત રહેશે.

સામાજિક સમરસત વિષય પર પ્રમુખ સંતો સાથેના આ ધર્મ સંમેલનના મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વન અને પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહેશે.

આ ધર્મસભામાં શ્રી પંચદશ નામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી વિશ્વંભર ભારતીજી મહારાજ સહિતના સંતોની પણ પાવન ઉપસ્થિતિ રહેશે.

શુક્રવારે રાત્રે ૮ થી ૧૧ કલાકે આંતરરાષ્ટ્રીય ગાયક પદ્મશ્રી કૈલાસ ખેરનો ભગવાન શિવની સ્તુતિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

આવતીકાલના તમામ કાર્યક્રમો તેમજ મહાનુભાવોની મુલાકાત વગેરે માટે તંત્ર ખડેપગે છે.(૨-૧૧)

 

(11:36 am IST)