સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

વઢવાણના ઐતિહાસીક ગઢની દીવાલ તોડી પડાતા ભારે આક્રોશ : યુવાનોના ઉપવાસ આંદોલનના મંડાણ

યુવાનોએ વઢવાણ ગઢ બચાવો સમીતીની રચના કરી ઉપવાસ આંદોલન શરૂ કરતા મામલતદાર સહિતના પહોંચ્યા : ગઢ તોડનારને ગઢ ફરીથી ચણી આપવા આદેશ કર્યો

 

વઢવાણ શહેરની ફરતે ઐતિહાસીક ગઢ આવેલો છે.ત્યારે આ ગઢની દીવાલ તોડી ત્યાં ગેરકાયદેસર રીતે ગેટ બનાવવાની હીલચાલ શરૂ કરવામાં આવી હોવાની રાવ ગુરૂવારે ઉઠી છે. ત્યારે વઢવાણના યુવાનોએ વઢવાણ ગઢ બચાવો સમીતીની રચના કરી ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા હતા. ત્યારબાદ મામલતદાર સહીતનાઓએ ધસી જઈ પંચ રોજકામ કર્યુ હતુ. અને ગઢ તોડનારને ગઢ ફરીથી ચણી આપવા આદેશ કર્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ શહેર ઐતિહાસીક નગરી છે. આ શહેરની ફરતે ગઢ આવેલો છે અને તેમાં શહેરમાં જવાના 7 દરવાજા આવેલા છે. ત્યારે આ ગઢની દીવાલ ગેરકાયદેસર રીતે તોડી પાડી દરવાજો મુકવાની હીલચાલ શરૂ થઈ હોવાની વાત ગુરૂવારે બહાર આવી હતી. આથી શુક્રવારે વઢવાણના યુવાનોએ ગઢ બચાવો સમીતીની રચના કરી ગઢ તુટયો તે જ સ્થળે ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા હતા.

ઉપવાસી છાવણીના હીતેશ્વરસીંહ મોરી, રાજુદાન ગઢવી, જયદીપસીંહ પરમાર, દર્શન સોની સહીતના યુવાનોએ વઢવાણ મામલતદાર કચેરીએ લેખીત રજુઆત કરી હતી. જેમાં વઢવાણ શહેરના સ્વામીનારાયણ મંદીરની સામે તોડવામાં આવેલ ગઢ બાબતે જણાવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારબાદ વઢવાણ મામલતદાર હરપાલસીંહ ડોડીયા સહીતનાઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. અને પંચ રોજકામ કરી ગઢ તોડનાર શખ્સોને ગઢ ફરીથી ચણી દેવા આદેશ કર્યો હતો.

(12:37 am IST)