સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

વાંકાનેર શાહબાવા ટ્રસ્ટનો મુજાવર પક્ષ વિરૂધ્ધ ફેસલો

મોરબી ઍડીશ્નલ સેશન્સ જજની કોર્ટનો મહત્વનો ચૂકાદો હવે દરગાહ શરીફે બૂલંદ દરવાજાનું કામ શકય બનશે!

 (મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૮ :.. વાંકાનેરમાં આવેલી ઐતિહાસીક જગ્યા મલંગ હઝરત શાહબાવા દરગાહ શરીફ કે જેનો વહીવટ રાજાશાહી વખતથી વાંકાનેર સ્ટેટ દ્વારા થતો હતો. બાદમાં રાજય સરકાર હસ્તક નીમાયેલી શાહબાવા ટ્રસ્ટની કમીટી દ્વારા થાય છે.

રાજાશાહી સમયમાં વાંકાનર સ્ટેટ તા. ૧-ર-૧૯૧૦ ના રોજ ત્યાં મુજાવરી કરતા વલીશાની ફરીયાદથી પૂર્વે મહારાજા અમરસિંહજીબાપુએ તપાસ કરી ગેરવર્તુણકને ધ્યાને લઇ મુજાવર વલીશાને પદ પરથી દૂર કરી ઠરાવ કરવામાં આવેલ. આ ઠરાવ ગેઝેટમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ.

મોરબી સેશન્સ કોર્ટમાં ચાલતા આ કેસમાં સરકાર પક્ષે એડવોકેટ કુમારી આર. ટી. રાણાએ પોતાની દલીલમાં જણાવેલ કે, આ કેસમાં સ્પષ્ટ થાય છે કે આંક ૧પ૦ થી રજૂ થયેલ પુરાવો જોતા તા. ૧૧-૩-૧૯૪૮ ના રોજનો મહારાજા સાહેબનો ઠરાવ છે. જે તેમાં ફેરફાર કરી સુન્ની મુસ્લિમ જમાતની અરજી પરથી દરગાહની મિલકતની ઉપજ વગેરેનો વહીવટ ઠરાવમાં જણાવેલ ટ્રસ્ટીઓને સોંપવાનો ઠરાવ કરવામાં આવેલ છે. આંક ૧પ૧ થી સમાહર્તા કાર્યાલય મધ્યસ્થ સૌરાષ્ટ્ર રાજય જીલ્લાના તા. રપ-૪-૧૯પપ નો ઠરાવ જોતા મધ્ય સૌરાષ્ટ્ર જીલ્લા ધાર્મિક સલાહકાર સમિતિની ભલામણથી વહીવટ માટે કમિટી નિમવાની મહેસુલ ખાતાની મંજૂરી મળતા ઠરાવમાં જણાવેલ ૧૦ સભ્યોની નિમણુક કરવામાં આવેલ હોવાનું જણાય છે. આંક ૧પર થી કાયદા વિભાગના તા. ૮-પ-૧૯૮૪ નો ઠરાવ રજૂ થયેલ.

જેમાં જણાવેલ છે કે, શાહબાવા ટ્રસ્ટ વહીવટ અંગેની હાલની પરિસ્થિતિમાં સુધારો કરી તેને કાર્યશીલ અને કાર્યક્ષેત્ર બનાવવાની જરૂરીયાત સરકારને જણાતા આ ટ્રસ્ટને મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ અધિનીયમ ૧૯પ૦ અન્વયે તા. ર૦-૧૦-૧૯૬પ માં નોંધાયેલ ટ્રસ્ટનો વહીવટ સરકાર હસ્તક રાખવા અને મામલતદાર વાંકાનેરને અધ્યક્ષ તરીકે નીમીને સભ્યોની કમીટી નિમવામાં આવેલ છે. ઉપરાંત આંક ૧પ૦ થી ૧પ૩ સુધીના દસ્તાવેજો પણ ઝેરોક્ષ નકલમાં હોઇ તેને સાબિત થયેલા માનવાનું ટ્રાયલ કોર્ટે ગંભીર ભૂલ કરેલ છે.

પરંતુ પુરાવાની ગ્રાહયતાનો વાંધો તે વખતે લેવો જોઇએ. વાદી દ્વારા આવો કોઇ વાંધો લેવામાં આવેલ હોય તેવું રેકર્ડ જોતા જણાતુ નથી. તેમજ વાદીએ પોતાનાં કેસને સ્વતંત્ર રીતે પુરવાર કરવો જોઇએ પ્રતિવાદીઓના બચાવ સાબિત કરી શકેલ નથી. એ કારણે વાદીએ પોતાનો કેસ સાબિત કરેલો છે. તેવુ માની શકાય નહીં.

સીપીસીઓ ર૦ રૂ. ૧૬ થી અર્થઘટન કરતા સર્વોચ્ચ અદાલતે કે. સી. સાકરીયા વિરૂધ્ધ ગવર્મેન્ટ ઓફ કેરાલા (ર૦૦૬) ર એસએસી ર૮પ ના કેસમાં ઠરાવેલ છે કે, જયારે વાદીને હિસાબ મેળવવા હકક છે. તેવું સાબિત થાય ત્યારે જ રેન્ડીશન ઓફ એકાઉન્ટનો દાવો મેઇન્ટેનેબલ ગણાય. ઓ ર૦ રૂ. ૧૬ ની જોગવાઇથી વાદીને હિસાબ માંગણીનો હકક પ્રાપ્ત થતો નથી. જયારે  હકક અસ્તિત્વમાં છે તેવું સાબિત થાય ત્યારે જ આ જોગવાઇ હેઠળ કાર્યવાહી થઇ શકે. પ્રતિવાદી સંસ્થા (ટ્રસ્ટ) પાસે હિસાબ માંગવાનો વાદીનો હકક તે દર્શાવતો વાદી પાસે કોઇ સંતોષકારક પુરવો નથી.

આથી વિદ્વાન ટ્રાયલ કોર્ટે રજૂ થયેલા પુરાવાનું મુલ્યાંકન કર્યામાં કોઇ ભૂલ કર્યાનું જણાતુ નથી. ટ્રાયલ કોર્ટનો હુકમ કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતનો વિરૂધ્ધનો જણાતો નથી.

આ ઉપરોકત તમામ બાબતોને લક્ષમાં લઇ મુદા નં. ૧ નો જવાબ નકારમાં આપી મુદા નં. ર અન્વયે નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે. હુકમ (૧) એપેલેન્ટસ (મુળવાદી)ની હાલની અપીલ આથી 'નામંજૂર' કરવામાં આવે છે. (ર) મોરબીના એડી. સીનીયર સીવીલ જજ ના રે. દિ. કે. નં. ૧૧૬/૧૯૯પ ના હુકમ તથા હુકમનામુ આથી કાયમ રાખવામાં આવે છે. (૩) અપીલનો ખર્ચ એપેલન્ટે ચુકવવો. (૪) હુકમ મુજબ હુકમનામુ દોરવું. (પ) ટ્રાયલ કોર્ટનું રેકર્ડ તથા પ્રોસીડીંગ હુકમ તથા હુકમનામાની પ્રમાણીત નકલ સાથે ટ્રાયલ કોર્ટને મોકલી આપવું.

ઉપરોકત કેસમાં વાંકાનેર શાહબાવા ટ્રસ્ટ તરફથી ગુજરાતના વિદ્વાન વકીલશ્રી આર. ટી. રાણા તથા અનિરૂધ્ધસિંહ ઝાલા રોકાયા હતાં. આ કેસનો ચૂકાદો આવતા આ શાહબાવા ટ્રસ્ટની મિલ્કતનો રીનોવેશન, તથા બાંધકામ, મારબલ કામ અને શાહબાવાના રોઝાને મઢવાનું કામ શરૂ થશે. તેમજ અગાઉ જાહેર થયા મુજબ શાહબાવાની રામચોકમાં પડતી બનાવવાની કામગીરી હાથ ધરાશે. તેમ ટ્રસ્ટી મંડળે જણાવેલ છે.

વધુમાં જણાવેલ છે કે રેગ્યુલર દિવાની અપીલ ૧ર-ર૦૧૦ માં એપેલન્ટસ, જીવાશા મહોબતશા  તથા તેના વારસો દ્વારા મોરબી એડી. જજની કોર્ટમાં દાવો દાખલ કરેલ જે દાવો ર૪-૪-ર૦૧૦ નો નોંધાયેલ અને તા. ૧૭-૧-રર અર્થાત ૧ર વર્ષ બાદ આ ચુકાદો આવતા ખુશીનો માહોલ જોવા મળે છે. સેશન્સ કોર્ટને હુકમ આવતા જ ટ્રસ્ટના તમામ સભ્યો શાહબાવાની જગ્યાએ જઇ ચાદર પેશ કરેલ અને સલાતો સલામ બાદ દુવા માંગવામાં આવી.

(1:02 pm IST)