સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

સુરેન્દ્રનગરના કોમ્પલેક્ષમાં દારૂ ભરેલ પાર્સલ કોક મુકી ગ્યું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૮ : સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસની ટીમ શહેરમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે દાળમીલ રોડ પર આવતા એક વ્યકતીએ પોલીસને દાળમીલ રોડ પર આવેલા કોમ્પલેક્ષમાં તેની બંધ દુકાનમાં કોઈ દારૂ મુકી ગયુ હોવાની જાણ કરી હતી. આથી પોલીસે તપાસ કરી દારૂની ૨૪ બોટલ અને બીયરના ૩૨ ટીન સહીત રૂપીયા ૧૨,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે.

સુરેન્દ્રનગરની શીવગંગા સોસાયટીમાં શેરી નં. ૫ માં રહેતા રવીરાજસીંહ સુખદેવસીંહ ઝાલાની દાળમીલ રોડ પર આવેલા ખોડીયાર એવન્યુ કોમ્પ્લેક્ષના બીજા માળે દુકાન આવેલી છે. આ દુકાન હાલ બંધ હાલતમાં છે. ત્યારે બુધવારે સાંજના સમયે શહેરમાં પેટ્રોલીંગ કરી રહેલા એ ડીવીઝન પોલીસના એચ.એચ.ઝાલા, વિજયસીંહ પરમાર, કીશનભાઈ ભરવાડ સહીતનાઓને રવીરાજસીંહ ઝાલાએ પોતાની દુકાનમાં કોઈ દારૂ મુકી ગયાની જાણ કરી હતી. આથી પોલીસે ટીમે તપાસ કરતા ખોડીયાર એવન્યુ કોમ્પલેક્ષના બીજા માળે આવેલી બંધ દુકાનમાંથી વિદેશી દારૂની ૨૪ બોટલ કિંમત રૂપીયા ૯૬૦૦ અને બીયરના ૩૨ ટીન કિંમત રૂપીયા ૩૨૦૦ મળી આવ્યા હતા. આથી પોલીસે કુલ રૂપીયા ૧૨,૮૦૦નો મુદ્દામાલ કબજે એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. બનાવની વધુ તપાસ ધનરાજસીંહ વાઘેલા ચલાવી રહ્યા છે.

(11:39 am IST)