સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

સણોસરામાં મધરાતે પેટ્રોલ પંપ પર ચાર લૂંટારૂ ત્રાટક્‍યાઃ કર્મચારીએ સામનો કરતાં ભાગ્‍યા

પાછળની વંડી ટપી બગીચામાં થઇ નિતાંજલી પંપમાં આવ્‍યાઃ સળીયાથી ઓફિસના દરવાજાની ફ્રેમ તોડવા પ્રયાસ કર્યોઃ અંદર સુતેલા ચિરાગ સાગઠીયા જાગી જતાં પાવડાથી કાચ તોડયોઃ કાચ ઉડવાથી કર્મચારી ચિરાગને આંખ ઉપર ઇજા

જ્‍યાં લૂંટારૂ ત્રાટક્‍યા હતાં એ નિતાંજલી પેટ્રોલ પંપ, પાવડાથી તોડી નખાયેલો ઓફિસનો દરવાજો અને કાચ લાગવાથી લોહીલુહાણ થઇ ગયેલો કર્મચારી ચિરાગ સાગઠીયા તસ્‍વીરમાં જોઇ શકાય છે.
રાજકોટ તા. ૨૮: કુવાડવા તાબેના સણોસરા ગામમાં આવેલા પેટ્રોલ પંપ પર મધરાતે ત્રાટકેલા ચાર લૂંટારૂઓએ પંપની ઓફિસના દરવાજાની એલ્‍યુમિનીયમની ફ્રેમ સળીયાથી તોડવાનો પ્રયાસ કરતાં અંદર સુતેલા કર્મચારી જાગી જતાં લૂંટારૂઓએ કાચ પર પાવડાના ઘા ફટકારતાં કાચ ફૂટીને કર્મચારીને આંખ પર લાગી જતાં લોહીલુહાણ થઇ ગયો હતો. કર્મચારીએ અંદરથી પાણીની બોટલો સહિતની ચીજવસ્‍તુઓના ઘા કરી સામનો કરી દેકારો મચાવતાં ચારેય લૂંટારૂ રોડ પર થઇ ભાગી ગયા હતાં. પંપની સામે જ કર્મચારીનું ઘર હોઇ તેણે પરિવારજનોને જગાડતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. કુવાડવા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્‍યા મુજબ સણોસરા ગામમાં હાઇવે પર આવેલા નિતાંજલી પેટ્રોલ પંપમાં ફીલરમેન તરીકે નોકરી કરતાં અને પેટ્રોલ પંપની સામે જ રહેતાં ચિરાગ માવજીભાઇ સાગઠીય (ઉ.વ.૨૨)ને રાતે અઢી વાગ્‍યે પંપની ઓફિસમાં સુતો હતો ત્‍યારે લૂંટારૂઓએ પાવડાથી ઓફિસનો કાચનો દરવાજો તોડી નાંખતાં કાચ ઉડતાં નેણ ઉપર ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાતાં ચોકીના હેડકોન્‍સ. વાલજીભાઇ નિનામાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
ચિરાગને રાતે જ પ્રાથમિક સારવાર બાદ રજા અપાઇ હતી. પંપના સંચાલક નાગરાજભાઇ વાઘેલાએ જણાવ્‍યું હતું કે અમે રાતે અગિયાર પછી પંપ બંધ કરી દઇએ છીએ. જો ઓળખીતા ખેડૂત રાતે ડિઝલની જરૂર પડે તો જ તેમના માટે પંપ ખોલવામાં આવે છે. કર્મચારી ચિરાગનું ઘર પંપની સામે જ હોઇ તે રાતે પેટ્રોલ પંપની ઓફિસમાં સુવે છે. રાતે અઢી વાગ્‍યે તે પંપની ઓફિસમાં સુતો હતો ત્‍યારે ઓફિસના દરવાજાની એલ્‍યુમિનીયમ સેક્‍શનની ફ્રેમને ચાર લૂંટારાઓએ સળીયાથી તોડવાનો પ્રયાસ કર્યો હતો. અવાજ થતાં ચિરાગ જાગી ગયો હતો. તેને કોઇ ગ્રાહક આવ્‍યાનું જણાતાં તપાસ કરતાં બહાર ચાર લૂંટારા દેખાતા દેકારો મચાવ્‍યો હતો.
એ પછી લૂંટારાઓએ પાવડાના ઘા ફટકારી કાચનો દરવાજો તોડી નાંખતાં કાચ ઉડવાથી ચિરાગને નેણ ઉપર લાગી જતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો. તેણે ઓફિસ અંદર પડેલી પાણીની બોટલો સહિતની ચીજવસ્‍તુઓના ઘા કરી ચારેય લૂંટારાઆનો સામનો કરવાનું શરૂ કરતાં અને દેકારો મચાવતાં સામે જ ચિરાગનું ઘર હોઇ અવાજ સાંભળી લોકો જાગી જતાં ચારેય લૂંટારા રોડ પર થઇ ભાગી ગયા હતાં. આ ચારેય મોઢે બુકાની બાંધી ચાદર ઓઢીને આવ્‍યા હતાં. આદિવાસી જેવા હોય તેમ જણાતું હતું. ચારેય લૂંટારા પંપની પાછળની પાંચેક ફૂટની દિવાલ ઠેકી બગીચામાં થઇને આગળ આવ્‍યા હતાં. સીસીટીવી ફૂટેજમાં પણ તે દેખાયા છે. પોલીસે ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે.


 

(7:34 pm IST)