સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th January 2021

અજાણ્યા તરીકે અંતિમવિધી થઇ ગયા બાદ વૃધ્ધની ઓળખ થઇ

મેવાસા ગામના ૬પ વર્ષીય જકશીભાઇ સાડમીયા પંદર દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા'તાઃ ખોખડદળ પાસે બાઇક હડફેટે મોત નિપજયું હતું: બાઇક સવાર મિતેશ ભુતને પણ ઇજા થઇ હતી

રાજકોટ, તા., ૨૮: ખોખડદળ રોડ ઉપર બીલીપત્ર પાર્ટી પ્લોટ પાસે પંદર દિવસ પહેલા બાઇક હડફેટે અજાણ્યા વૃધ્ધનું મોત નિપજયા બાદ અંતિમવીધી થઇ ગયા બાદ વૃધ્ધ મેવાસા ગામના હોવાની ઓળખ થઇ હતી.

મળતી વિગત મુજબ ખોખડદળ રોડ પર બીલીપત્ર પાર્ટી પ્લોટ પાસે તા.૧૪ના રોજ બાઇક ચાલકે હડફેટે લેતા અજાણ્યા વૃધ્ધને ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયારે બાઇક ચાલક કોટડા સાંગાણીના મિતેશ નારણભાઇ ભુતને પણ ઇજા થતા સારવાર માટે ખસેડાયો હતો. દરમ્યાન અજાણ્યા વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

આ બનાવ અંગે આજીડેમ પોલીસે મૃતક અજાણ્યા વૃધ્ધની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. પરંતુ તેના કોઇ સગા સબંધી ન મળતા અજાણ્યા વૃધ્ધની અંતીમવિધિ કરવામાં આવી હતી.

અજાણ્યા તરીકે અંતીમવિધી થઇ તે વૃધ્ધના સગાસંબંધી બે દિવસ પહેલા સિવિલ હોસ્પીટલે પહોંચ્યા હતા અને પોસ્ટમોર્ટમ રૂમે તપાસ કરતા વૃધ્ધના કપડા અને ફોટા પરથી આ વૃધ્ધ જકશીભાઇ વેલશીભાઇ સાડમીયા (ઉ.વ.૬પ) (રહે. મેવાસા ગામ તા. ચોટીલા)ના હોવાની ઓળખ થઇ હતી.  ત્યાર બાદ તેના પુત્ર વિરમભાઇ સાડમીયાએ આજી ડેમ પોલીસ મથકમાં  અજાણ્યા વૃધ્ધ  પોતાના પિતા હોવાનું જણાવતા જ હેડ કોન્સ્ટેબલ એમ.બી.જાડેજા અને યોગરાજસિંહે મૃતક વૃધ્ધના પુત્ર વિરમભાઇ જકશીભાઇ સાડમીયા ફરીયાદ પરથી બાઇક ચાલક મિતેશ નારણભાઇ ભુત (રહે. કોટડા સાંગાણી) વિરૂધ્ધ ગુન્હોદાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:19 pm IST)