સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th January 2021

ધારીના અમૃતપુરની સીમમાં સાંકળથી બંધાયેલ વૃધ્ધને દિપડાએ ફાડી ખાતા જુદી-જુદી દિશામાં તપાસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૮ :.. ધારીના તુલસીશ્યામ જતા માર્ગમાં આવેલા અમૃતપુર ગામની સીમમાં આજે વહેલી સવારે વાડીએ રહેલ વૃધ્ધ મનુભાઇ સાવલીયા ઉ.૭પ ને દિપડાએ ફાડી ખાતા તેમનું મોત નિપજયું હતું અને સાથે સાથે આ ઘટના એ માટે ગંભીર મનાઇ રહી છે કે, મરનારનો એક હાથ સાંકળથી બંધાયેલ નજરે પડયો હતો. આ ઘટનાની જાણ થતા વન વિભાગ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. અને મૃતદેહને પી. એમ. માટે દવાખાને ખસેડવ તજવીજ ધરી હતી.

ધારી ડીસીએફ ડો. અંશુમન શર્માની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી વૃધ્ધને દીપડાએ ફાડી ખાધા હોવાની વન વિભાગના સીસીએફ શ્રી દુષ્યંત વસાવડાએ પુષ્ટિ કરી હતી. જો કે સ્થળ પર વૃધ્ધને સાંકળથી બાંધેલા દ્રશ્યો વિશે વન વિભાગ ખૂબ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યો છે અને સમગ્ર મામલે પેનલ પીએમ કરવામાં આવશે. પોલીસ પણ સમગ્ર મામલે નજર રાખી રહી છે. વૃધ્ધને સાંકળથી બાંધ્યાની દિશામાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક અધિકારીની ટીમ દ્વારા અલગ-અલગ દિશામાં નિવેદન લઇને તપાસ શરૂ કરાઇ છે. જો કે આ અંગે પરિવારજનો દ્વારા મૌન સેવવામાં આવ્યું છે પણ એક પરિવારજન આ વૃધ્ધને માનસિક તકલીફ હોવાનું એક સ્થાનિક વેબચેનલને જણાવતા નજરે પડેલ હતાં.

(1:13 pm IST)