સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th January 2021

માળિયા કોલ સેન્ટર પ્રકરણમાં ૨ આરોપીના રિમાન્ડ મંજુર : એક આરોપી જેલહવાલે કરાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૮ : માળિયાના મોટી બરાર નજીક ગેરકાયદેસર કોલ સેન્ટર પર માળિયા પોલીસે દરોડો કરીને નવ ઇસમોને દબોચી લીધા હતા જે આરોપીને કોર્ટમાં રજુ કરતા ત્રણ આરોપીના રિમાન્ડ મંજુર થયા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા ત્રણેયને કોર્ટમાં રજુ કરતા બે આરોપીના ફર્ધર રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે તો એક આરોપીને જેલહવાલે કરાયો છે.

યુકેના નાગરિકોને કોલ કરીને નાણા ખંખેરતા કોલ સેન્ટર પર માળિયા પોલીસે દરોડો કરી આરોપી વિકાસ સુરેન્દ્ર ત્યાગી, મીરેશ જયેશ શાહ, જીતું સબાસ્ટીન જયોર્જ, નરેન્દ્રસિંગ રાઠોડ, ઉમેશ હરેશકુમાર હીરાનંદાની, રાજેશ રૂબન ટોપનો, આકાશ યશવંતકુમાર રાવલ, કૌશલ કિરીટભાઈ પટેલ અને રીમાબેન દિનેશકુમાર સોલંકી એમ નવ ઇસમોને ઝડપી લીધા હતા તેમજ સ્થળ પરથી મોબાઈલ, લેપટોપ સહિતનો મુદામાલ મળી આવ્યો હતો માળિયા પોલીસ ટીમે આરોપીને દબોચી લઈને મોબાઈલ, લેપટોપ, સહીત ૧.૭૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો જે ઝડપાયેલા આરોપી પૈકી વિકાસ સુરેન્દ્ર ત્યાગી, મીરેશ જયેશ શાહ અને જીતું સબાસ્ટીન જયોર્જ એમ ત્રણ ઇસમોના કોર્ટે તા. ૨૭ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપી વિકાસ સુરેન્દ્ર ત્યાગી અને મીરેશ જયેશ શાહ એ બંને આરોપીના વધુ એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે તો આરોપી જીતું જયોર્જ નામના ઈસમને જેલહવાલે કરવામાં આવ્યો છે.

(11:34 am IST)