સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th January 2021

જામનગરમાં જયેશ પટેલના વિરોધી મનાતા જયસુખ પેઢડીયા ઉપર ફાયરીંગ

અજાણ્યા શખ્સો ગોળી મારીને નાસી છુટતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયાઃ નાકાબંધી કરીને અજાણ્યા શખ્સોની શોધખોળ

જામનગરમાં જયસુખ પેઢડીયા ઉપર ફાયરીંગની ઘટના બાદ એસપી-એએસપી સહીતના ઘટના સ્થળેઃ સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટઃ અગાઉ જયેશ પટેલે અનેક વખત ધમકીઓ દીધી’તી : જામનગરઃ ભૂમાફીયા જયેશ પટેલના વિરોધી મનતા જયસુખ પેઢડીયા ઉર્ફે ટીના ઉર્ફે લાલપુર બાયપાસ નજીક ફાયરીંગની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની જાણ થતા એસપી દિપેન ભદ્રેન, એએસપી મિતેશ પાંડે સહીત અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જુદી જુદી ટીમ બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ફાયરીંગની ઘટનામાં ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફુટેજ પણ તપાસવામાં આવી રહયા છે. અગાઉ અનેક વખત જયેશ પટેલે જયસુખ પેઢડીયા ઉર્ફે ટીનાને ધમકીઓ દીધી હતી. પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. (અહેવાલઃ મુકુંદ બદીયાણી-તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ર૮: જામનગરમાં ફાયરીંગની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ભુમાફીયા જયેશ પટેલના વિરોધી મનાતા જયસુખ પેઢડીયા ઉર્ફે ટીના ઉપર ફાયરીંગ કરીને અજાણ્યા શખ્સો નાસી છુટતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત માહીતી મુજબ જામનગરમાં રહેતા અને ભુમાફીયા જયેશ પટેલના વિરોધી મનાતા જયસુખ પેઢડીયા ઉર્ફે ટીનો લાલપુર બાયપાસ નજીકથી પસાર થઇ રહયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેના ઉપર ફાયરીંગ કર્યુ હતું. જેમાં જયસુખ પેઢડીયાને ઇજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડેલ છે.

ફાયરીંગ કરીને અજાણ્યા શખ્સો નાસી છુટતા પોલીસે નાકાબંધી કરીને આ શખ્સોને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે. ફાયરીંગની આ ઘટનાથી જામનગરમાં ખળભળાટ મચી ગયો છે.

આ બનાવની જાણ થતા જામનગર જીલ્લા પોલીસ વડા સહીત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને વધુ તપાસ અને પુછપરછ હાથ ધરવામાં આવી છે.

(12:02 pm IST)