સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th November 2020

દ્વારકામાં ઠાકોરજીનો વાજતે ગાજતે વરઘોડો નિકળ્યોઃ સુરક્ષા કર્મચારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર

તુલસીવિવાહ પ્રસંગની ધાર્મિક માહોલમાં ઉજવણી

દ્વારકા : તસ્વીરમાં તુલસીવિવાહ પ્રસંગની ઝલક (તસ્વીર : દિપેશ સામાણી-દ્વારકા)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ર૭ : પરંપરા મુજબ ગઇકાલે સાંજે દ્વારકાધીશ મંદિરથી ભાવિકો સાથે ઠાકોરજીનો વરઘોડો પાલખી સાથે ઢોલ વાજા અને શરણાઇના સૂર સાથે લગ્ન ગીતની ઝાંખી ગાતા ગાતા શહેરના માર્ગો ઉપર તુલસી વિવાહ નિમિત્તે નિકળેેલ હતો. બજારમાં વેપારીઓ પણ ઠાકોરજીને સન્માન સાથે ફુલોની વર્ષા કરી હતી. જગત મંદિરના પ્રવેશ દ્વાર ઉપર મંદિર સુરક્ષાના કર્મીઓએ હથીયારો સાથે ગાર્ડ ઓફ ઓનર આપી ઠાકોરજીને દંડવત કર્યું હતું. પી.એસ.આઇ. ગજેન્દ્રસિંહ ઝાલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

રાત્રીના આઠ વાગ્યે ભગવાન શ્રી વિશ્નુ સ્વરૂપ ઠાકોરજીના માતા તુલસી સાથે યજમાન પરિવાર દ્વારા લગ્નની સંપૂર્ણ વિધિ સાથે ચોરીના ચાર ફેરા ફેરવીને શાસ્ત્રોકત વિધીથી વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનનો લગ્નોત્સવ આનંદ ઉલ્લાસ અને ઉત્સાહ સાથે યોજાયો હતો.

લક્ષ્મી ભડાર મંદિરના પૂજારી આનંદભાઇ ઉપાધ્યાય,  વિજયભાઇ ઉપાધ્યાય તથા પુજારી પરિવાર હર્ષ અને ક્રિષ્ના વિગેરેએ લગ્નોત્સવની વિધી પૂર્ણ કરાવી હતી ગુગળી જ્ઞાતિના જેન્તીભાઇ (મહારાજ) તથા વત્સલભાઇ પુરોહીત વિગેરેએ યજમાન પરિવારને આશિર્વાદ આપ્યા હતાં.

દેવ સ્થાન સમિતિના વહીવટદાર નિહાર ભેટારીયા તથા સ્ટાફ અને મંદિર વ્યવસ્થાના સુરક્ષા કર્મીએ ભાવિકોનો સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્કનો મંદિર પરિસરમાં સંપૂર્ણ રીતે અમલ કરાવવાનો હતો.

(3:32 pm IST)