સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th November 2020

જુનાગઢનાં વડાલની સીમમાં ખેતરમાં ધમધમતું હાજર વરલીનો જુગારધામ

ખેતર માલિક ફરાર, ૮ શખ્સો રૂ. ૧.ર૯ લાખનાં મુદામાલ સાથે ઝબ્બે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૭: વડાલની સીમમાં ખેતરમાં ધમધમતા હાજર વરલીનાં જુગાર ધામનો પોલીસે પર્દાફાશ કરી આઠ શખ્સોએ રૂ. ૧.ર૯ લાખનાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જુનાગઢ તાલુકાનાં વડાલનો પિયુષ શૈલેષ દોંગા તેની ગામની સીમમાં કાથરોટા ગામનાં રસ્તે આવેલ તુવેરના વાવેતરવાળા ખુલ્લા ખેતરમાં રાજેશ ઉર્ફે રાજુ રાણાભાઇ વઘેરા (વડાલ) સાથે મળીને હાજર વરલીનો જુગાર અડ્ડો શરૂ કર્યો હોવાની બાતમી મળતાં મોડી સાંજે એબસ્કોન્ડર સ્કવોડનાં હરદાસભાઇ ઓડેદરા વગેરેએ દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં ખેતરનો માલિક પિયુષ દોંગા નાસી ગયો હતો. જો કે પોલીસે તેનો પાર્ટનર રાજેશ ઉર્ફે રાજુ વધેરાને પકડી પાડયો હતો.

તેમજ પોલીસે વડાલનો સાગર ઉર્ફે ભુરો અરવિંદ તન્ના, ભીખા મંગાભાઇ વધેરા, જેતપુરનો ભાવિન શિવદાન બારોટ, હેમલ કુમુદરાય જયસ્વાલ, જેતપુરનાં અકાળા ગામનો રાજેશ સવજી સરવૈયા, જુનાગઢનાં શેખવા ગામનો મથુર બચુભાઇ વોરા અને વડાલનો વજુભાઇ પરમારની જુગાર રમવા સબબ ધરપકડ કરી હતી.

એબસ્કોન્ડર સ્કવોડે જુગારીઓ પાસેથી રૂ. ૪ર,૬૦૦ ની રોકડ, ૯ મોબાઇલ ફોન, એક મોટર સાયકલ વગેરે મળી કુલ રૂ. ૧,ર૯,૬૦૦નો મુદામાલ કબ્જે કરીને તમામ સાથે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:46 am IST)