સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th November 2020

અમદાવાદથી ઝડપાયેલ પાકિસ્તાની મહિલાએ કચ્છમાં આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ બનાવ્યા

કેરોલ સુજિત સાથે લગ્ન કરવા નેપાળ થઇ કચ્છ આવી અને પાકિસ્તાનીને બદલે ભારતીય નાગરિક તરીકે બોગસ દસ્તાવેજો ઉભા કર્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : અમદાવાદ એટીએસે ઝડપેલ પાકિસ્તાની મહિલા કેરોલના કેસમાં સનસનીખેજ વિગતો બહાર આવી છે. કેરોલ શાદી ડોટ કોમ દ્વારા ભુજમાં કામ કરતા સુજિત મેથ્યુને પરણી હતી. બે સંતાનો સાથે સુજિતને બીજી વાર પરણનાર કેરોલ પણ કેરાલીયન હતી. જોકે, સમગ્ર કેસમાં ચોંકાવનારી વિગતો હવે બહાર આવી છે, તે મુજબ સુજિતે કેરોલ અને તેના બન્ને સંતાનોને વાયા નેપાળ થઈ ભારતમા ઘુસાડી કચ્છ લઈ આવ્યો હતો.

પાકિસ્તાની મહિલા કેરોલના ભારતીય નાગરિક તરીકેના દસ્તાવેજો આધાર, પાનકાર્ડ અને પાસપોર્ટ કચ્છના ભુજમાં તૈયાર થયા હતા. જોકે, જરૂરી કાગળો વગર પાકિસ્તાની મહિલા કેરોલના ભારતીય નાગરિક તરીકેના દસ્તાવેજો કોણે બનાવ્યા, કયા પુરાવાઓના આધારે બનાવ્યા એ ચર્ચા સાથે તપાસનો વિષય છે. સરહદી કચ્છ જિલ્લામાં આ રીતે દસ્તાવેજો બનાવવાના મુદે એજન્સીઓ પણ હરકતમાં આવી છે. જોકે, કેરોલના પતિ સુજિતનું મોત નિપજયું છે. ભુજ પછી અત્યારે સુજિત મુથુટ ફાઇનાન્સ કંપનીમાં અમદાવાદ ખાતે કામ કરતો હતો. સમગ્ર મામલો સુજિતની પ્રથમ પત્નિના ભાઈની બહેનના સંતાન માટેની કસ્ટડી માટેની અરજી બાદ બહાર આવ્યો છે. અત્યારે અમદાવાદ એટીએસ અને તેની સાથે ભુજ એસઓજી આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

(11:45 am IST)