સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th October 2021

પોરબંદર યુનીક વિચારવાળુ ગામઃ પૂ. વસંતરાયજી

કોરોનામાં સદ્ગતિ પામેલાઓની સ્મૃતિમાં યોજાયેલ સમૂહ ભાગવત્ સપ્તાહમાં વૈષ્ણવાચાર્યોની ઉપસ્થિતિ

પોરબંદર, તા. ૨૭ :. પોરબંદર યુનીક વિચારવાળુ ગામ અને અહીંના લોકોની સેવા પણ યુનીક છે તેમ પૂ. વસંતરાય મહારાજશ્રીએ જણાવ્યુ હતુ. કોરોનામાં સદ્ગતિ પામેલાઓની સ્મૃતિમાં યોજાયેલ સમૂહ ભાગવત્ સપ્તાહમાં વૈષ્ણવાચાર્યો તથા માયાભાઈ આહીર સહિત લોકડાયરાના કલાકારો હાજર રહ્યા હતા.

પૂ. વસંતભાઈએ જણાવેલ કે, પોરબંદરમાં એવા સારા સારા કામ થાય છે કે જે મોટા મોટા શહેરોમાં પણ નથી થતા. પોરબંદરની સેવાભાવી સંસ્થાઓ દ્વારા કથાનો વિચાર જ સારો છે. ગત દોઢ વર્ષમાં કોરોના મહામારીએ આપણને સૌને હેરાન કર્યા છે. જેમણે જેમણે સ્વજન ગુમાવ્યા તેમના માટે બહુ જ અઘરૂ રહ્યું. એ સમયના સંજોગો, સરકારી પ્રોટોકોલને કારણે મુશ્કેલી વેઠવી પડી જેના કારણે મૃતકોની ધાર્મિક રીવાજ પ્રમાણે ક્રિયાઓ પણ થઈ શકી નહીં. આયોજકો અભિનંદનને પાત્ર છે, તેમને આટલો ઉમદા વિચાર આવ્યો કે, હિન્દુ સનાતન પરંપરા મુજબ સદ્ગતિ માટેની વિધિ કરવા, આત્માની સદ્ગતિ માટે પ્રાર્થના કરીને શ્રીમદ્દ ભાગવતનું આયોજન કર્યુ.

શ્રીમદ્દ ભાગવત્ બધુ આપવા માટે સક્ષમ છે, આપણે શું માંગી શકીએ એ આપણે જોવાનુ છે. ભાગવત્માં ઘણા બધા અધ્યાયો છે, શ્રધ્ધાથી શરણે જઈએ તો ભાગવત બધુ આપે, આપણો મનોરથ પૂર્ણ થાય. શ્રીમદ્દ ભાગવત્એ માત્ર સાંભળવાનો નહીં પણ પીવાનો રસ છે, અમૃત સમાન છે. પૂ. વસંતરાયજીએ સંસ્કૃત શ્લોકના ઉચ્ચારણ સાથે ભાગવત્ સપ્તાહ અંગે વિસ્તૃત સમજ આપી હતી.

ગો. જયવલ્લભ મહોદયશ્રીએ તેમના વચનામૃતમાં જણાવ્યુ હતુ કે, શાસ્ત્રમાં લખ્યું છે કે, જે છે પ્રકૃતિના, જે છે પદાર્થોને, જે છે દ્રશ્યમાન ચિત્રોને આપણે જોઈએ છીએ કે પ્રત્યેક પદાર્થો એ સદાને માટે પરોપકાર રહે છે, તેઓએ સંસ્કૃત શ્લોક સાથે નદીની વાત કરતા જણાવ્યુ હતુ કે, નદીનો સ્વભાવ છે વહેવું, કારણ કે એ દ્રવીભૂત છે, દ્રવીભૂત હોય એનો અર્થ જ એ છે કે એ વહી પડે, તો નદીની વાત જ્યારે આવે ત્યારે કહે છે કે, નદી વહે છે તો પોતાના માટે નથી વહેતી, પોતાના સ્વાર્થ માટે એ ઘમંડ નથી કરી રહી, પરોપકારોને, હું કઈ રીતે બીજાના ઉપયોગમાં આવી શકું, એ પ્રકૃતિ છે, વૃક્ષો છે તો વૃક્ષો ઉગી જાય છે, ઉગીને છાંયડો આપે છે, છાંયડો આપીને છેલ્લે તેનું મધુર ફળ આપે છે, પોતાના માટે નહીં બીજાના માટે, પરોપકાર માટે તો આ સર્વ ભગવાનની રચના છે અને એ ઈશ્વરની સર્વરચનાઓમાંની શ્રેષ્ઠ રચના આ માનવદેહ છે. આ મનુષ્યનો દેહ એ સર્વથી દુર્લભ છે.

ગો. જયવલ્લભ મહોદયએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભાગવત્ ગીતાના ૧૧માં સ્કંધમાં લખ્યુ છે કે આ માનવ દેહ બહુ દુર્લભ છે અને એ માનવદેહ ત્યારે જ સાર્થક નિવડે જ્યારે પરોપકાર, માનવતા મહેકી ઉઠે અને આવી જ માનવતા જ્યાં બહાર નિકળે તેવું આ સ્થળ, તેવો આ સંકલ્પ મને ખૂબ જ આનંદ થાય છે અને હું અતિશય ગૌરવાંનિત છું. સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો આવો ભગીરથ સંકલ્પ હજુ સુધી સૌરાષ્ટ્ર-ગુજરાતની અંદર કોઈએ નથી કર્યો. આપણા પોરબંદરની અંદર, સુદામાપુરીની અંદર આ ભગીરથ કાર્ય થયું છે.આ કથામાં પૂ.ગો. ૧૦૮ શ્રી વસંતરાય મહારાજશ્રી, અર્જુનભાઈ મોઢવાડીયા, રાજુલાના ધારાસભ્ય અંબરીષભાઈ ડેર, વિશ્વ વિખ્યાત લોકગાયક માયાભાઈ આહીર, લોકસાહિત્યકાર દેવરાજ ગઢવી, ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ વિનોદભાઈ બાદરશાહી, સંતવાણીના આરાધક પરિબાપુ, ગોરખનાથ મઢી ઓડદરના મહંત પૂ. છોટુનાથબાપુ, રાજપુત સમાજના પ્રમુખ અને સામાજીક આગેવાન રાજભા જેઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કથા કાર્યક્રમનું સંચાલન લાખણશીભાઈ ગોરાણીયા કરી રહ્યા છે.

(1:00 pm IST)