સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th September 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૦ સપ્ટેમ્બર સુધી આયુષ્યમાન ભારત પખવાડીયાની ઉજવણી

દેવભૂમિ દ્વારકા:આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના અંતર્ગત નિયત કેટેગરીમાં આવતા લાભાર્થીઓને વાર્ષિક રૂ.પ લાખ સુધીની મફત તબીબી સારવાર તમામ સરકારી તેમજ યોજનામાં સંલગ્ન પ્રાઈવેટ હોસ્પિટલોમાંથી આપવામાં આવે છે. ભારત સરકારની આ મહત્વપુર્ણ યોજનામાં લાભ લેવા માટે લાભાર્થી માટે આયુષ્માન કાર્ડ હોવું જરૂરી છે. આયુષ્માન કાર્ડ બનાવવા માટે સરકારશ્રી દ્વારા હાલ તા. ૧પ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર ર૦રર સુધી સમગ્ર રાજયમાં આયુષ્યમાન ભારત પખવાડીયું ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે.  જેમાં દરેક ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં ઈ-ગ્રામ પંચાયતના વીસીઈ દ્વારા અને કોમન સર્વીસ સેન્ટરો તથા તમામ સરકારી દવાખાના દ્વારા આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવે છે.

આયુષ્માન કાર્ડ બનાવવા માટે જો લાભાર્થીનું નામ સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ર૦૧૧ અંતર્ગત નોંધાયેલ SECCની કેટેગરીમાં આવતું હોય તો આધાર કાર્ડ અને રેશનકાર્ડની નકલ લઈ મેળવી શકે છે. જે લાભાર્થી પાસે હાલ માં અને  માં વાત્સલ્ય કાર્ડ ઉપ્લબ્ધ છે તેમને  આયુષ્માન કાર્ડ માં કન્વર્ટ કરી આપવામાં આવે છે અને જે લાભાર્થીની પારીવારીક આવક રૂ. ૪ લાખ કરતા ઓછી છે તેમને આવકના દાખલાના આધારે આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવે છે.આમ ઉપર મુજબના લાભાર્થીઓને પોતાનું આયુષ્માન કાર્ડ બનાવવા માટે તરત જ નજીકના ઈ-ગ્રામ સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર અને સરકારી દવાખાનામાં જરૂરી કાગળો સાથે સંપર્ક કરવા, અને વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે તે માટે કલેકટરશ્રી એમ.એ.પંડયા દ્વારા દેવભુમિ દ્વારકા જિલ્લાના લોકોને અપીલ કરવામાં આવી છે.

 

(11:33 pm IST)