સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th September 2022

જો રાજ્‍ય સરકાર સબસીડી આપે તો પાંજરાપોળો રખડતા ઢોર સ્‍વીકારવા તૈયાર

વાંકાનેરના પૂર્વ સાંસદ લલિતભાઇ મહેતા દ્વારા રખડતા ઢોર મુદ્દે સરકારમાં રજુઆત

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૨૭ : ગુજરાત રાજ્‍યની પાંજરાપોળ દર વર્ષે રૂા. ૪૦૦ કરોડથી રૂા. ૪૫૦ કરોડના દાન મેળવી, જીવદયાપ્રેમીઓના સહયોગથી લગભગ ૪ લાખ કરતાં વધુ પશુધન નિભાવે છે. ગુજરાત રાજ્‍યમાં રખડતા બીનવારસી પશુધનની સમસ્‍યા તીવ્ર બનતા ગુજરાત સરકારે ‘પશુનિયંત્રયણ કાયદો' બનાવેલ જે પશુપાલકોના સખ્‍ત વિરોધથી પાછો ખેંચવો પડયો છે.

ગુજરાત સરકાર, ગુજરાત રાજ્‍યની પાંજરાપોળોની હાલ નિભાવતા પશુધન માટે દૈનિક રૂા. ૩૦/-ની સબસીડી આપે અને રસ્‍તે રખડતા બીનવારસી પશુઓ આ પાંજરાપોળોને સોંપાય તો જે તે વિસ્‍તારની પાંજરાપોળો પશુધન નિભાવવા તૈયાર છે જેથી રસ્‍તે રખડતા પશુધનની સમસ્‍યા મહદ અંશે ઉકલી જાય તેમ છે.

ગુજરાત સરકારશ્રીના ગ્રામીણ વિકાસ મંત્રી અને પશુપાલન મંત્રી ગૌમાતા પોષણ યોજનાની ૨૦૨૨-૨૩ની રૂા. ૫૦૦ કરોડની જોગવાઇના બૃહદ હેતુને પાર પાડવા તથા રખડતા પશુધનની સમસ્‍યા નિવારવા પશુદીઠ દૈનિક રૂા. ૩૦ સબસીડી આપવા નિર્ણય કરી મુખ્‍યમંત્રીની મંજુરી મેળવી તાત્‍કાલીક સબસીડી મંજૂર કરે એ સમયની માંગ છે.

જીવદયા-પશુરક્ષા-ગૌવંશના ઉડા અભ્‍યાસી ડો.વલ્લભભાઇ કથીરીયા અને સમસ્‍ત મહાજનના ગિરીશભાઇ શાહ, રાજકોટના મિત્તલભાઇ ખેતાણીએ આ સબસીડી આપવાથી રસ્‍તે રખડતા પશુધનની સમસ્‍યા હલ થઇ જશે એવી આખી યોજના સરકારશ્રીને સમજાવી છે. તેથી ગુજરાત સરકારશ્રીને પાંજરાપોળોને આંદોલન કરતા રોકી પશુધન દીઠ દૈનિક રૂા. ૩૦ આપવા વહેલામાં વહેલા નિર્ણય કરવો જોઇએ. તેમ વાંકાનેર પાંજરાપોળના પ્રમુખ અને પૂર્વ સાંસદ લલિતભાઇ મહેતાએ જણાવ્‍યું છે.

(11:58 am IST)