સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th September 2022

જામનગરના લાખોટા તળાવમાં પ્રથમ નોરતે નર્મદાના નીર પહોંચ્‍યાઃ ધારાસભ્‍ય સહિતના દ્વારા વધામણા

જામનગરના લાખોટા તળાવમાં નર્મદાના નીર આવી પહોંચ્‍યા છે. પ્રથમ નોરતે રાજાશાહી વખતમાં નિર્માણાધીન લાખોટા તળાવમાં નર્મદાના નીર આવતા જ ધારાસભ્‍ય, કમિશનર,મેયર, સ્‍ટેન્‍ડિંગ ચેરમેન અને ભાજપના શહેર પ્રમુખ સહિતના અગ્રણીઓએ નવા નિરના વધામણા કર્યા હતા.(તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)(૨૩.૩)

જામનગર, તા.૨૭: જામનગરમાં નવલા નોરતાની પ્રથમ રાત્રિ પૂર્વે જ માં નર્મદાના નીર લાખેણા લાખોટા તળાવમાં આવી પહોંચતા ધારાસભ્‍ય, મેયર કમિશનર સહિતના મહાનુભાવો એ મા નર્મદાના નિરના વધામણા કર્યા હતા.

જામનગર શહેરની મધ્‍યમાં આવેલ રાજાશાહી વખતના રણમલ તળાવ કે જેને લોકો લાખોટા તળાવ તરીકે ઓળખે છે આ તળાવમાં નવરાત્રીના પ્રથમ દિવસે જ સંધ્‍યા સમયે માં નર્મદાના નીર સૌની યોજના મારફતે આવી પહોંચ્‍યા છે. ૭૦% જેટલું તળાવ હાલ ભરાયેલું છે ત્‍યારે આ તળાવમાં વધુ પાણીનો જથ્‍થો નર્મદામાંથી સૌની યોજના અંતર્ગત ઠાલવવામાં આવી રહ્યો છે ત્‍યારે જામનગરના ધારાસભ્‍ય આર.સી ફળદુ, મેયર બીનાબેન કોઠારી, સ્‍ટેન્‍ડિંગ ચેરમેન મનીષ કટારીયા, કમિશનર વિજય ખરાડી, ડેપ્‍યુટી કમિશનર ભાવેશ જાની અને શહેર ભાજપ અધ્‍યક્ષ વિમલ કગથરા સહિતના મહાનુભાવો એ નર્મદાના નીરના વધામણા કર્યા હતા.

જામનગરના લાખાણા લાખોટા તળાવમાં નર્મદા ના નીર આવતા ધારાસભ્‍ય અને અન્‍ય પદાધિકારીઓ દ્વારા નવા નિર્માણના વધામણા કરવામાં આવ્‍યા છે ત્‍યારે આવનારા સમયમાં નર્મદાના પાણીથી જામનગરનું હાર્દ સમુ લાખોટા તળાવ ની જળ સપાટી વધતા તળ સાજા થશે જેને લઇને જામનગરવાડીઓમાં હરખની હેલી છે. આ તકે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા સૌની યોજના મારફતે નર્મદા નીર જામનગરમાં પહોંચ્‍યા છે ત્‍યારે ધારાસભ્‍ય આર.સી. ફળદુએ વડાપ્રધાન અને મુખ્‍યમંત્રી તેમજ કૃષિમંત્રીનો પણ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(10:14 am IST)