સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th September 2018

ગુજરાતી કવિતા ક્ષેત્રનો પ્રતિષ્ઠિત એવોર્ડ

ભાવનગરના કવિશ્રી વિનોદ જોશીને ૨૪મો નરસિંહ મહેતા એવોર્ડ અપાશે

નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા વિદ્યમાન ગુજરાતી કવિને તેના સમગ્ર કવિતા સર્જન લક્ષ્યમાં લઇને પ્રવિવર્ષ શરદપૂર્ણિમા (વાલ્મિકી જયંતિ) ના રોજ અપાતો ગુજરાતી કવિતા ક્ષેત્રનો પ્રતિષ્ઠિત અને સળંગ ૨૪મો નરસિંહ મહેતા એવોર્ડ ભાવનગર સ્થિત સુપ્રસિદ્ધ કવિશ્રી વિનોદ જોશીને એનાયત થશે.

આગામી તા. ૨૪ ઓકટોબર, ૨૦૧૮ને બુધવારે ઢળતી સાંજના પઃ૩૦ કલાકે જુનાગઢની ગીરી તળેટીના રૂપાયતન પરિસર ખાતે ગુજરાતના સાક્ષરો, વિદ્વાનજનોની ઉપસ્થિતિમાં કવિશ્રીનું સન્માન કરી રૂ. એક લાન એકાવન હજારની રાશી સાથે નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમાના સ્મૃતિ ચિહનનો ૨૦૧૮નો વર્ષનો એવોર્ડ પૂ. મોરારીબાપુ દ્વારા અર્પણ થશે.

આ ધન્ય દિવસના ઘોષિત થયેલા કાર્યક્રમો પ્રમાણે પ્રારંભે કાવ્યગાન અને પદગાન ગાર્ગી વોરા દ્વારા પ્રસ્તુત થશે. તેમજ વિનોદ જોશીના ઉર્મિકાવ્યો વિશે મણિલાલ .પટેલ અને વિનોદ જોશીના દીર્ધકાવ્યો માટે રાજેશ પંડયા વિશેષ વકતવ્ય આપશે. રઘુવીર ચોૈધરી પ્રાસંગિક ઉદ્દબોધન બાદ પુરસ્કૃત કવિ વિનોદ જોશી કાવ્યપઠન કરશે. આ વેળાએ નુપૂર કલાવૃંદ-જુનાગઢ દ્વારા સરસ્વતી વંદના અને રાસ પ્રસ્તુતિ થશે. પૂ. મોરારીબાપુ દ્વારા ઉદ્દબોધન થશે. કાર્યક્રમનું સંચાલન પ્રણવ પંડયા સંભાળશે.

આ પ્રસંગે કવિ વિનોદ જોશીના બહુ વખણાયેલાા પ્રબંધ કાવ્યો ''સેૈરન્ધ્રી''નું તેમજ કવિએ પોતે ચયન કરેલાં પોતાનાં કાવ્યોના સંકલનનું મોરારીબાપુ દ્વારા લોકાપર્ણ થશે. કવિના અન્ય તમામ પુસ્તકો કાર્યક્રમ સ્થળે થી મળી શકે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પૂ. મોરારીબાપુ પ્રેરિત ગુજરાતી કવિતા ક્ષેત્રનો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર સને ૧૯૯૯થી આપવામાં આવે છે.(૧.૧)

(12:29 pm IST)