સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

જસદણનાં આરોગ્ય ખાતાની બેદરકારીનાં કારણે કોરોનાગ્રસ્ત સાણથલીના વૃધ્ધનું મોત થયાનો આક્ષેપ

સાણથલી જીલ્લા પંચાયતના સભ્ય વિનુભાઇ ધડુકે રાવ કરતા ચકચાર

 આટકોટ તા. ર૭ :.. જસદણના આરોગ્ય ખાતાની બેદરકારીને લીધે સાણથલી ગામના વલ્લભભાઇ ધડુકનું મોત થયાનો આક્ષેપ સાણથલી જીલ્લા પંચાયતના સભ્ય વિનુભાઇ ધડકુ દ્વારા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગઇકાલે જસદણના સાણથલી ગામના વલ્લભભાઇ ચનાભાઇ ધડુક ઉ.વ.૭ર નો જસદણ ખાતે રેપીડ ટેસ્ટ દ્વારા કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો જે પોઝીટીવ આવ્યો હતો.

રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ દર્દીને રાજકોટ કોવિડ સેન્ટરમાં મોકલવા માટે સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં વલ્લભભાઇને રાજકોટ મોકલવાને બદલે પ્રથમ સાણથલી ઘરે મોકલી બાદમાં કપડા લઇ રાજકોટ જવાની સુચના આપવામાં આવી હતી. પરંતુ દર્દીનું ઘેર પહોંચ્યા બાદ મૃત્યુ થયુ હતું.

આ અંગે વિનુભાઇ ધડુકે જણાવ્યું હતું કે, દર્દીને સીધા જ રાજકોટ મોકલવાને બદલે જસદણ આરોગ્ય ખાતાના અધિકારીઓએ સાણથલી ઘેર કપડા લેવા મોકલ્યા તે તેની ગંભીર બેદરકારી છે દર્દીના કપડા સગા-વ્હાલા દ્વારા મંગાવી શકાયા હોત.

તેમણે આક્ષેપ કરતા જણાવ્યુ છે કે વલ્લભભાઇ શનીવારે જસદણ સરકારી દવાખાને કોરોના ટેસ્ટ કરાવવા ગયા હતાં પરંતુ સમય પુરો થઇ ગયો હોવાનું તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો નહોતો, ટેસ્ટ ન થયો હોય તે બરાબર પરંતુ દર્દીની સ્થિતિ ગંભીર હોય દર્દીને સારવાર માટે દાખલ કરી અથવા તો રાજકોટ, સારવાર માટે દર્દીને મોકલ્યા હોત તો વલ્લભભાઇને યોગ્ય સારવાર મળી હોત તો તેમનો જીવ બચાવી શકાયો હોત.

જો કે આ અંગે આરોગ્ય ખાતાના કર્મચારીના જણાવ્યા મુજબ દર્દીના સગા-વ્હાલાને દર્દીને રાજકોટ લઇ જવા માટે અમારા તરફથી વ્યવસ્થા કરી આપશુ તેમ   જણાવ્યુ હોવા છતાં રાજકોટ સારવાર માટે ન ગયા હોય અમે શું કરીએ ?

વિનુભાઇ ધડુકે વધુમાં જણાવ્યું હતું કે વલ્લભભાઇના મૃત્યુ બાદ આરોગ્ય ખાતા દ્વારાા કહેવામાં આવ્યુ કે અમો અહીંથી પીપીપી કીટ મોકલીએ છીએ મૃતકને અને બાકીના ચાર જણને પહેરાવી ત્યાં જ અંતિમ વિધી કરી નાખો ! તે કેટલે અંશે યોગ્ય છે...?

અગાઉ પણ સાણથલીમાં કોરોના કેસો આવ્યા છે અને સલામતી વગર સ્થાનીક તેમની અંતિમ-વિધી કરવામાં આવે તો ગામમાં ભયનું વાતાવરણ ઉભુ થાય તેમજ વધુ લોકો સંક્રમિત થાય તે વાત આરોગ્ય ખાતુ જાણતુ હોવા છતાં સાણથલી ખાતે જ અંતિમવિધ કરવાનો નિર્ણય કેટલે અંશે વ્યાજબી હતો...?

જો કે બાદમાં પરિવારજનો અને વિનુભાઇ ધડુક દ્વારા ઉચ્ચકક્ષાએ જાણ કરતા વલ્લભભાઇને રાજકોટ લઇ જઇ ત્યાં તેમની અંતિમ વિધી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે જસદણનાં સ્થાનીક આરોગ્ય ખાતામાં હાલ કોરોના મહામારીમાં પણ સંકલનનો અભાવ હોવાનો અનેક વખત બહાર આવ્યુ છે સ્થાનિક આરોગ્ય ખાતામાં બે-ત્રણ જૂથ હોય એકબીજાને નિચા દેખાડવા માટે પ્રયત્નો થતા રહેતા હોય ઉચ્ચ અધિારીઓએ યોગ્ય કાર્યવાહી કરવા લોકમુખે ચર્ચાઇ રહયુ છે.

અગાઉ પણ અનેક વખત સ્થાનીક આરોગ્ય અધિકારી સામે ઉચ્ચ કક્ષાએ લેખીત રજૂઆતો પણ કરવામાં આવી હોવા છતાં ઉચ્ચ કક્ષાએથી યોગ્ય કાર્યવાહી ન થતી હોય લોકોમાં પણ રોષ ફેલાઇ ગયો છે.

જસદણમાં સ્થાનિક ભાજપનાં બે ધુરંધર નેતા હોવા છતાં આરોગ્ય ખાતાનાાં અમુક કામચોર કર્મચારી સામે લાલ આંખ કરી સ્થાનિક આરોગ્ય સેવા સુધરે તેવા પ્રયત્નો કુંવરજીભાઇ અને ભરતભાઇ બોઘરા કરે તેવી સ્થાનિક લોકોની માંગણી છે.

(12:59 pm IST)