સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

મોરબીમાં કોરોના વધતા કેસને ધ્યાને લઇને સરકાર દ્વારા ૨૦૦ રેપીડ કીટની ફાળવણી

મોરબી,તા.૨૭ : કોરોના હાહાકાર વચ્ચે અગાઉ મહાનગરો જેવા કે અમદાવાદ અને રાજકોટમાં રેપીડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો જોકે મોરબીમાં કોરોના લેબ નથી અને લીધેલા સેમ્પલનો રીપોર્ટ બીજા દિવસે મળે છે અને લાંબો વિલંબ થતો હોય દરમીયાન મોરબીમાં કેસોની સંખ્યા પણ સતત વધે છે જેને પગલે સરકારે મોરબીમાં ૨૦૦ રેપીડ ટેસ્ટ કીટ ફાળવી છે અને રેપીડ ટેસ્ટ કીટનો વપરાશ પણ શરુ કરી દેવામાં આવ્યો છે તો વધુ રેપીડ ટેસ્ટ કીટ માટે પણ સરકારમાં માંગણી કરવામાં આવશે તેવી માહિતી પણ આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે.

ખોરાકની ગુણવત્તા સુધારણા અંગે લાઇવ કાર્યક્રમ

 સરકાર દ્વારા આઈસીડીએસ વિભાગ કાર્યરત છે જેમાં આંગણવાડીમાં આવતી ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી અને ૧૫ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓને દર માસે પોષણ માટે ૪ કિલોગ્રામ પૂર્ણા શકિતના પેકેટ આપવામાં આવે છે સાથે ખોરાકની ગુણવત્તાઅંગે વિશેષ જાણકારી મળી રહે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા તા. ૨૮ના રોજ બપોરે ૨ થી ૩ દરમિયાન સેટકોમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે જે ટેલીવિઝનમાં વંદે ગુજરાત ચેનલ નં ૦૧ અને યુ ટ્યુબ પર ગુજરાત પર લાઈવ નિહાળી શકાશે જે કાર્યક્રમ મોરબી જીલ્લાની ૧૧ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓ લાભ લે તેમ જીલ્લા પ્રોગ્રામ ઓફિસર અને આઈસીડીએસ શાખા મોરબી દ્વારા જણાવ્યું છે.

(11:43 am IST)