સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th June 2022

મોટા દહીંસરા પાસે રોઝડુ આડે ઉતરતાં બાઇક સ્‍લીપઃ ઓટાળાના જસુબેનનું મોત

કોળી મહિલા ઝીંઝુડાથી ભાઇ કિશન રાઠોડના બાઇક પાછળ બેસી દિકરીની દવા લેવા જતા'તા ત્‍યારે બનાવઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૭: મોરબીના મોટા દહીંસરા પાસે રોઝડુ આડે આવતાં બાઇક સ્‍લીપ થઇ જતાં બાઇક ચાલક મોરબીના ઝીંઝુડાના કિશન બાબુભાઇ રાઠોડ (ઉ.૨૨), પાછળ બેઠેલા તેના બહેન ટંકારના ઓટાળાના જસુબેન મેહુલભાઇ છીપરીયા (ઉ.૩૨) અને પાંચ વર્ષની ભાણેજ ફંગોળાઇ ગયા હતાં. જેમાં જસુબેનને ગંભીર ઇજા પહોંચી હોઇ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
ઓટાળા ગામે રહેતાં કોળી જસુબેન છીપરીયા પોતાની પાંચ વર્ષની દિકરીને લઇને માવતરના ઘરે ઝીંઝુડા આટો મારવા ગયા હતાં. ત્‍યાંથી ગઇકાલે સવારે પોતાની દિકરીની દવા લેવા ભાઇ કિશન રાઠોડના બાઇક પાછળ બેસીને જતાં હતાં તે વખતે મોટા દહિસરા પાસે રોઝડુ આડે ઉતરતાં કિશને કાબુ ગુમાવતાં બાઇક સ્‍લીપ થઇ ગયું હતું. જેમાં જસુબેનને ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
મૃત્‍યુ પામનારને સંતાનમાં બે પુત્રી છે. પતિ છુટક મજૂરી કરે છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માળીયા મિયાણા પોલીસને જાણ કરી હતી.

 

(12:10 pm IST)