ભાવનગરની ગાંધી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓને ભાજપના સભ્ય બનવા આદેશ કરતા શૈક્ષણિક જગતમાં ચકચાર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૭: ભાવનગર શહેર ન.ચ. ગાંધી મહિલા કોલેજના આચાર્યએ એક પરિપત્ર જાહેર કરી કોલેજની વિદ્યાર્થિનીઓ ને ભાજપના સભ્ય બનવા આદેશ કરતાં ચકચાર મચી જવા પામી છે.
માહિતી મુજબ ભાવનગરમાં આવેલી ગાંધી મહિલા કોમર્સ અને આર્ટસ કોલેજ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને એક નોટિસ પાઠવી શૈક્ષણિક સંસ્થા ને બદલે જાણે આ કોલેજ ભાજપની એક સંસ્થા હોય તેમ સભ્ય બનવા વિદ્યાર્થીનીઓને આદેશ આપવામાં આવ્યો છે તેના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ , યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ તેમજ સેનેટ સભ્યો દ્વારા યુનિવર્સિટીના કુલપતિને બપોરે આ કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવા અને કોના આદેશથી આવી નોટિસ જાહેર કરવામાં આવી છે તેની માહિતીની માંગ યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિ કચેરી ખાતે કરવામાં આવી હતી . કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ આ વિવાદિત નોટિસને પણ સાથે જાહેર કરી છે . આ નોટિસમાં ભાજપની પેઈઝ કમીટીમાં સભ્ય થવા કોર્પો.ની હદમાં રહેતી વિદ્યાર્થીનીઓને આદેશ કરાયો હોય તેમ જણાવ્યું છે કે ફોટા , મોબાઈલ અને અન્ય આધાર સાથે કાલે કોલેજમાં આવવું . આ બનાવે શૈક્ષણિક જગતમાં પણ ચકચાર જગાવી છે.