સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th June 2022

મોરબીની શાળા – કોલેજ અને અન્ય સ્થળોએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા.

મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમ દ્વારા આયોજન

મોરબી :  તા. 26 જુનના દિવસને આંતરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા મોરબીની શાળા, કોલેજ તેમજ અન્ય સ્થળોએ જનજાગૃતિ માટે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આંતરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે મોરબી જીલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ ઇન્સ્પેકટર, જે.એમ.આલ તથા એસઓજી ટીમ દ્વારા મોરબી જીલ્લામાં ડ્રગ્સનુ સેવન કરનારાઓ અટકે તે માટે જનજાગૃતિ અભિયાન રૂપે નાર્કોટીકસ ડ્રગ્સને લગતા પ્રેઝન્ટેશન બનાવી મોરબી જીલ્લામાં આવેલ જુદી જુદી સ્કુલો અને કોલેજોમાં વિધાર્થીઓમાં ડ્રગ્સનુ સેવન ન કરવા તેમજ ડ્રગ્સના સેવનથી દૂર રહેવા અને આ નશાથી થતી આડ અસરોની ચુંગલમાં ફસાઇ ગયેલ હોય તો તેને કેવી રીતે બહાર લાવવા સ્કુલો અને કોલેજોમાં રૂબરૂ જઇ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

આ ઉપરાંત નવલખી પોર્ટ વિસ્તારમાં ફીશરમેન સાથે મીટીંગ કરી તેઓને પણ દરિયાઇ રસ્તે આવતી જતી બોટો મારફતે ડ્રગ્સની ઘુસણખોરી કેવી રીતે થાય છે અને તેને અટકાવવા તેમજ ફીશરમેનોને આવી ગેરકાયદે પ્રવૃત્તિથી સજાગ રહેવા જાગૃતિ લાવવા કોસ્ટગાર્ડની સાથે રહી જરૂરી માર્ગદર્શન આપેલ હતું.
સાથે સાથે જાહેર જગ્યાએ મોટા હોર્ડીંગસ લગાડી આ વ્યસન મુક્તિમાં પ્રજામાં જાગૃતિ લાવવા સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા મોરબી જીલ્લાને વ્યસન મુક્ત બનાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમજ ટ્રાન્સપોર્ટેશનના સંચાલકો તથા ટ્રકોના ડ્રાઇવરોને હાઇવે ઉપર હોટલ સંકુલમાં નારકોટીક્સની પ્રવૃતિથી દુર રહેવા તેમજ આવી પ્રવૃતીની માહીતી મળ્યે કંટ્રોલ રૂમના મોબાઇલ નંબર ૭૪૩૩૯૭૫૯૪૩ ઉપર જાણ કરવા તેમજ નારકોટીક્સની બદી સદંતર બંધ થાય તે અંગે સમાજને જાગૃત કરવા અવેરનેશ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

(11:28 pm IST)