સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th May 2022

હળવદ દુર્ઘટનામાં ઝડપાયેલ છ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયા: ૨ આરોપીની શોધખોળ

તા ૨૭ સુધીના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયા ફેક્ટરીના બે માલિક હજુ પોલીસ પકડથી દુર.

હળવદના કારખાનામાં દીવાલ ધસી પડતા કામ કરી રહેલા ૧૨ શ્રમિકોના કરુણ મોત મામલે ફરિયાદ નોંધી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ બનાવી તપાસ ચલાવી હતી જેમાં કારખાનાના માલિક, સંચાલક અને સુપરવાઈઝર સહીત છ આરોપીને ઝડપી લઈને તા. ૨૭ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા તમામ આરોપીને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે. 
હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ કારખાનામાં દીવાલ ધસી પડતા ૯ શ્રમિકો, ૨ બાળ શ્રમિકો અને ૧ બાળક એમ ૧૨ વ્યક્તિના દુખદ મોત થયા હતા જે બનાવ મામલે આઠ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં આરોપીઓ અફઝલ અલારખા ધોણીયા, દેવો ઉર્ફે વારીસ અલારખા ધોણીયા,  આત્મારામ કિશનરામ ચૌધરી, સંજય ચુનીલાલ ખત્રી, મનોજ રેવાભાઈ સનુરા અને આસિફ નુરમહમદ ઉર્ફે નુરભાઇ સોઢા નુરાભાઇ રહે બધા હળવદ એમ છ આરોપીઓને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા તા. ૨૭ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા તમામ આરોપીને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે. 
તો હજુ બે આરોપી રાજેશકુમાર મહેન્દ્રકુમાર જૈન અને કિશનરામ લાલારામ ચૌધરી રહે બંને રાજસ્થાન વાળા હજુ પોલીસ પકડથી દુર છે જેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.  

(11:47 pm IST)