સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th May 2019

ધોરાજીમાં ફાયર સેફટી મુદે પ૦ સંસ્થાઓને નોટીસ

ધોરાજીઃ સુરતમાં સર્જાયેલ ગમ્ખવાર આગજની ની ઘટના બાદ સફાળી જાગી ઉઠેલી રાજય સરકારે ફાયરસેફ્ટી મામલે આક્રમક પગલાં ભરવાની શરૂઆત કરતા ધોરાજી સરકારી તંત્રના અધિકારીઓ કામે લાગી ગયા હતા. શાળાઓ ટ્યુશન કલાસીસ હોસ્પિટલો સહિતની સંસ્થાઓમાં ફાયર સેફટી ના સાધનો છે કે કેમ તેની તપાસ માટે ધોરાજી નગરપાલિકાની ટીમ સાથે હેલ્થ વિભાગ અને એજયુકેશન ડિપાર્ટમેન્ટ ની સંયુકત ટીમ દ્વારા ધોરાજી શહેરમાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો હતો. તપાસમાં ધોરાજીની શાળાઓ અને ખાનગી ટ્યુશન કલાસીસ અંદાજે પચાસ જેટલી સંસ્થાઓને તપાસવામાં આવી હતી જેમાં મોટાભાગની સંસ્થાઓમાં ફાયર સેફટી અને સુરક્ષા ના સાધનો ની ખામી જોવા મળી હતી. અને સીધા શબ્દોમાં જણાવાય તો મોટાભાગની સ્કૂલો અને કલાસીસમાં ફાયર સેફટી તે સુરક્ષા મામલે બનાવવામાં આવેલા નીતિ-નિયમોનું પાલન થતું નથી જે પ્રાથમિક તપાસ દરમિયાન સ્પષ્ટ જણાઈ આવતું હતું સરકાર દ્વારા નિયત કરેલ ગાઈડ લાઈન પ્રમાણે લગભગ ૯૦ ટકાથી વધારે સંસ્થાઓમાં ક્ષતીઓ જોવા મળી હતી. બીજી તરફ આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા ધોરાજી શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ના સાધનો અંગેની તપાસ ચાલી રહી છે અને આરોગ્ય વિભાગના અધિકારી તેમજ નગરપાલિકાના અધિકારીઓએ જણાવેલ ધોરાજી શહેરમાં હોસ્પિટલો શાળાઓ ટ્યુશન કલાસીસ વિગેરેની કરેલી સ્થળ તપાસણી નો રિપોર્ટ સોમવારે પ્રાંત અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યારબાદ અધિકારીની સુચના પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ધોરાજી શહેરમાં આવેલી સ્કૂલો હોસ્પિટલો અને ટ્યુશન કલાસીસ માં ફાયરસેફ્ટી કે સુરક્ષા સાધનો ની ક્ષતિઓ વિપુલ પ્રમાણમાં છે ત્યારે સરકારી તંત્ર દ્વારા આવા બે જવાબદારો સામે કોઈ નક્કર પગલાં ભરાશે કે પછી માત્ર નોટિસો આપી પત્રો દ્વારા જ ખામીઓની પૂર્તતા કરી લેવાશે તે જોવાનું રહ્યું

(1:25 pm IST)