સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th May 2019

માંગરોળના બગસરા-ઘેડ ગામની વિધવા મહિલાની ખેતીની જમીન અંગે મહત્વનો ચૂકાદો

માંગરોળ તા. ર૭ :.. નિઃસહાય અને વિધવા સ્ત્રી પોતાને સરકારશ્રી તરફથી મળેલ ખેતીની જમીન ઉપર પોતાના મૃત્યુપર્યત ગુજરાન ચલાવતા હતા અને તેણીના મૃત્યુ બાદ આ જમીન ઉપર અન્ય આસામીઓએ ગેરકાયદે કબજો કરવા પ્રયત્નો કરતા આ વિધવા સ્ત્રીના વારસે ન્યાય મંદિરનો દરવાજો ખટખટાવેલ અને પાંચ વર્ષના લાંબા કાનૂની જંગ બાદ માંગરોળ કોર્ટે આ આસામીઓને આ વિધવા સ્ત્રીને સરકારશ્રી દ્વારા મળેલ ખેતીની જમીન ઉપર અન્યનો કોઇ હકક હિત નહિ હોવાનો હુકમ ફરમાવેલ છે.

આ કિસ્સાની વિગત એવી છે કે, માંગરોળ તાલુકાના બગસરા (ઘેડ) ગામના સીમ સર્વે નં. ૩૪૩/ પૈ. ર૦ ની પાંચ વિઘા ખેતીની જમીન સને ૧૯૭૬ માં સરકારશ્રીએ મઘીબેન રૈયાભાઇને સાંથણીમાં આપેલી અને આ ખેતીની જમીન પર આ મઘીબેન તેમના મૃત્યુ સુધી ખેતી કરી પોતાનું તથા તેમના પૌત્રનું ગુજરાન ચલાવતા હતાં.

અને ૧૯૮૩ માં આ મઘીબેનનું અવસાન થતા તેમના પૌત્ર વજસભાઇ વિઠલભાઇ સોઢા આ ખેતીની જમીનની ઉપજ નિપજ મેળવતા આવેલ, પરંતુ આ ખેતીની જમીન પોતાની માલિકીની હોવાનું બગસરા (ઘેડ) ગામના પોપટભાઇ લીલાભાઇ સોલંકી વિગેરેએ જણાવી આ ખેતીની જમીનમાં સંબંધકર્તા સરકારી તંત્રમાં ખોટી રજૂઆતો કરી પોતાના નામ દાખલ કરાવેલા તેમજ ગુજરનાર મઘીબેનને પોતાના સાવકી માતા ગણાવી પાસેથી પણ મઘીબેનનો મરણનો દાખલો મેળવેલ.

આ તમામ બનાવટી દસ્તાવેજોના આધારે ગુજ. મઘીબેનની બગસરા (ઘેડ) ની ખેતીની જમીન પર ગેરકાયદે કબજો કરવા કાયદો હાથમાં લઇ પ્રયત્નો કરતા હતાં. જેથી આ અંગે ન્યાય મેળવવા ગુજ. મઘીબેનના પૌત્ર વજસીભાઇ વિઠ્ઠલભાઇએ જુનાગઢના ધારાશાસ્ત્રી શ્રી બી. બી. પરમાર તથા લલિત બી. પરમાર મારફત માંગરોળ કોર્ટમાં દિવાની દાવો દાખલ કરેલ અને આ દાવાની સુનાવણી માંગરોળના સીવીલ જજ એસ.આર. વકાલીયા સમક્ષ હાથ ધરાયેલ અને બન્ને પક્ષોનો પુરાવો તથા દલિલો ધ્યાને લઇ માંગરોળ કોર્ટે ગુજરનાર મઘીબેનના પૌત્ર  વજસીભાઇનો દાવો મંજૂર કરી આ દાવાવાળી ખેતીની જમીન પર પોપટભાઇ લીલાભાઇ કે અન્ય કોઇને કોઇપણ જાતનો હકક અધિકાર નહી હોવાનું ઠરાવી આપેલ છે.

(12:05 pm IST)