સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th May 2019

વાંકાનેર પાલીકાના રસ્તાના કામને વખાણવા કે વખોડવા?

નવો બનતો રોડ પહોળો કરવા તોતીંગ ઝાડ દુર કર્યુ પણ એક સાઇડનો પોણો રસ્તો રોકીને ઉભેલા ટ્રાન્સફોર્મના થાંભલાને ના હટાવ્યો

વાંકાનેર, તા., ૨૭: વાંકાનેર નગર પાલીકા દ્વારા વિકાસના કાર્યો તેજ ગતીએ દોડતા થયા છે અને આ ગતીમાં રસ્તામાં નડતર રૂપ ટીસીના થાંભલા પણ દુર ખસેડવાનું પાલીકા તંત્ર ભુલી ગયું હોય અને આ દ્રશ્ય જોઇ સૌ અચંબામાં પડી જાય છે.

વાંકાનેરમાં ભુગર્ભ ગટરના કામો પુરા થયા છે અને તેમાં કનેકશનો જોઇન્ટ કરવાની કામગીરી જે રસ્તા ઉપર પુર્ણ થઇ છે તે મેઇન રસ્તા તથા શેરી-ગલીઓમાં સીમેન્ટ રોડના કામો ક્રમશ પુરા તો કયાંક શરૂ થયા છે.

વાંકાનેરના સીટી સ્ટેશન રોડને ગ્રીન ચોક સુધી ડબલ ટ્રેકનો મોટો આરસીસી રોડ બનાવવાનું કાર્ય નગર પાલીકા દ્વારા ચાલી રહયું છે થોડા દિવસ ચુંટણીને લઇને બંધ રહેલ આ રોડનું કામ ત્રણ દિવસથી પુનઃ શરૂ થઇ ગયું છે મોટો અને પહોળો રસ્તો બનતા જોઇ પ્રજાજનોમાં આનંદની લાગણી પણ જોવા મળે છે તો બીજી બાજુ રસ્તાની પહોળાઇમાં નડતરરૂપ ઇલેકટ્રીક પાવરના ટીસી સાથેના એક સાઇડનો પોણો રસ્તો રોકીને ઉભેલા આ થાંભલા દુર કર્યા વગર અને વચ્ચે સમાવેશ કરી આરસીસી રોડનું કામ ચાલી રહયું છે ત્યારે પ્રજામાંથી એક સવાલ ઉભો થયો છે કે આ થાંભલાની સામેના ભાગમાં એક કોમ્પલેક્ષ પાસે (આઝાદ ગોલા સામે)ના ભાગે આ રસ્તો પહોળો કરવામાં નડતરરૂપ મોટુ પીપરનું ઝાડ દુર કરવામાં આવ્યું પણ આ એક સાઇડનો પોણો રસ્તો રોકીને ઉભેલા ટ્રાન્સફોર્મના થાંભલા નગર પાલીકા તંત્રને શું દેખાણા નહી હોય?

જે જગ્યાએ આ ટીસીના થાંભલા ઉભા છે તેની બાજુમાં જ એક ખાંચો પડે છે ત્યાં અથવા તો ઉભાની બદલે આડી સાઇડમાં થાંભલાઓ ખડકી આ ટીસી ફેરવવા જોઇએ જેથી પ્રજા હીતમાં પહોળા  બની રહેલા આ માર્ગનો લાભ પ્રજા લઇ શકે. રસ્તાની વચ્ચે ઉભેલા આ થાંભલા પાસેથી કોઇ મોટુ વાહન પસાર થાય તો પણ અકસ્માતનો ભય રહે તે અત્યારે પણ આ રસ્તાની સ્થિતી જોતા ખ્યાલ આવી જાય શું પાલીકાના અધિકારીઓ-પદાધિકારીઓ આ સ્થળ નિરીક્ષણ કરશે? એક સાઇડનો પોણો રસ્તો રોકીને ઉભેલા આ થાંભલા દુર થશે તેવા પ્રશ્નો પ્રજામાં શરૂ થયા છે.

(12:00 pm IST)