સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th May 2019

સુરતના અગ્નિકાંડે ધોરાજી-જામકંડોરણાના ૩ છાત્રોનો ભોગ લીધો

બે વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થીના મોતથી ભારે અરેરાટી : વર્ષોથી સુરત સ્થાયી થયા'તા

ધોરાજી, તા. ર૭ : સુરતમાં સર્જાયેલ અગ્નિકાંડે મૂળ ધોરાજી-જામકંડોરણા પંથકના ૩ છાત્રોનો ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. વર્ષોથી સુરત સ્થાયી થયેલા પરિવારના ર વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થીના મોતથી ભારે શોક છવાઇ ગયો છે.

સુરતમાં બનેલા કરૂણ ઘટનામાં વિદ્યાર્થીઓના મોતના પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ છે. ધોરાજીના વતની અને સુરત ખાતે રહેતા સંજયભાઇ અરજણભાઇ સાકરીયાની પુત્રી સ્વ.રૂતુ ઉ.વ.૧૭ તે ટયુશન કલાકમાં ગયેલ અને દાઝી જતા મોત થયેલ મરણ જનાર ૧ બહેન હતી અને ૧ ભાઇ નાનો છે. જયારે તેના પિતા સુરતમાં વાહન લે-વેચનો વ્યવસાય કરે છે.

જયારે બીજો સ્વ. અંસ મનસુખભાઇ બચુભાઇ આસોદરીયા ધોરણ ૧૧ પાસ થઇને ધોરણ ૧રમાં આવતા ટયુશન કલાસમાં ગયેલ અને મોતને ભેટો ગયેલ તેમના પરિવારમાં પિતા હિરા ઘસવાનું કામ કરે છે અને મરણ નાર અંસ બે બહેનોનો એકનો એક ભાઇ હતો તેના પિતા પણ ધોરાજીના જયારે જામકંડોરણા કાનાવડાળા ગામના પ્રવિણભાઇ ભીખાભાઇ વરસાણી તે પરિવાર સુરત હિરા ઘસવાનું કામ કરે છે અને તેની પુત્ર સ્વ. માનશીબેન પ્રવિણભાઇ વરસાણી પરિવારને એકની એક પુત્રી માનસી હતી. ધોરાજી જામકંડોરણા પંથકના સુરતમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ઘેરાશોકની લાગણી ફેલાય હતી.

(11:13 am IST)