સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th April 2021

કોરોના મહામારીમાં કમાઇ લેવાની વૃતિ બદલીને દર્દીઓને ઉપયોગી થાયઃ ભીખાભાઇ બાંભણીયા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ર૭ :.. જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડનાં પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે કે, એક વરસ ઉપરાંતના સમયથી કોરોનાથી બચવા માટેના સમાચાર મોબાઇલ કે લેન્ડ લાઇન મારફત સતત આપવામાં આવે છે તેના કારણે માણસના મગજમાં ભયના ડરની માનસીક અસર થાય છે.

ફોન કરવામાં ઘણો સમય બગડે છે માટે કેન્દ્ર સરકાર કે રાજય સરકારના માધ્યમથી આ વ્યવસ્થા બંધ થવી જરૂરી છે. સમય મર્યાદા નકકી થવી જોઇએ.

આ કપરા સંજોગોમાં ડોકટરો તેમજ સારવારમાં ફરજ બજાવતા તમામ સ્ટાફ પ્રત્યે સહાનુભૂમિ દાખવવાનો સમય છે. તેઓ પોતાના પરિવારની ખેવના કર્યા વગર જયારે મોતને નજર સમક્ષ રાખી કામગીરી કરતા હોય છે ત્યારે તેઓની પ્રત્યે સદભાવનના કેળવી ધન્યવાદ આપી તેની સેવાને બિરદાવવાની જરૂર છે. લોકો પોતે જ સ્વયંભુ જાગૃત થઇ કોરોના કાબુમાં આવે, વધુ ફેલાય નહીં તે માટે સૌ સાથ સહકાર અને સહયોગ આપે એ જરૂરી છે.

હાલ અમુક ડોકટરો વધારે ફી, લેવાની તથા અમુક વ્યકિતઓ, વેપારીઓ કાળાબજાર કરતા લૂંટ કરવી તેમજ અનીતિ કમાણીથી પૈસા કમાઇ લેવાની જે મનોવૃતિ ધરાવે છે તે આ મહામારીના સમયમાં શરમજનક બાબત છે. અમુક કિસ્સા જોતા માનવતા મરી પરવારી હોય તેવું દેખાઇ રહયું છે.

ખાનગી હોસ્પીટલના ડોકટર મિત્રોને પણ ભલામણ કરવામાં આવે છે કે ફોન દ્વારા દર્દીનું નામ લખવાનું શરૂ કરે અને સમય આપે. રૂબરૂ આવીને નામ લેખાવવાની ઝંઝટમાંથી બહાર નીકળે. આ સમયમાં લોકો ઓછા એકઠા થાય તે માટે રહેમદૃષ્ટિ રાખી વ્યવહાર ઉકેલ લાવી અમલવારી થાય એ જરૂરી છે. ડોકટર એસોસીએશને આ માટે દરેક હોસ્પીટલોને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે.

દર્દી માટે ડોકટરને ભગવાન માનવામાં આવે છે. હાલમાં ભગવાન મંદિરમાં બંધ છે ત્યારે જીવતા જાગતા ભગવાન (ડોકટરો)  દ્વારા કુદરતી પ્રકોમપાં સારવારના ખર્ચના બીલમાં રાહત આપે તેમજ સારવાર દરમ્યાન અવસાન પામનારના બીલમાં વિશેષ રાહત આપવાનું વિચારે એ જરૂરી છે. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે.

(4:48 pm IST)