જુનાગઢમાં ઘરમાં ઘુસી યુવતિ પર નિર્લજજ હૂમલો, માતાને પણ માર માર્યો
પાડોશી શખ્સ સામે મહિલાની ફરીયાદ
(વિનુ જોશી) જુનાગઢ તા. ર૭ :.. જુનાગઢમાં ઘરમાં ઘુસી પાડોશી શખ્સે યુવતી પર નિર્લજજ હૂમલો કરી તેની માતાને પણ માર માર્યો હોવાની ફરીયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, જુનાગઢનાં આદર્શનગર-બે ગરબી ચોક, પાસે આવેલ એક એપાર્ટમેન્ટનાં ૧૦૩ નંબરના બ્લોકમાં રહેતા એક પરિવારના ઘર આસપાસ પરિવારનાં ઉપરનાં બ્લોકમાં રહેતો વીકી સુરેશભાઇ કુંડલાણી નામનો શખ્સ આંટાફેરા કરી પરિવારની મોટી દિકરીને હેરાન કરતો હતો.
આ બાબતે પરિવારની મહિલા એ અગાઉ વીકીને ઠપકો આપ્યો હતો જેનુ મનદુઃખ રાખી આ ઇસમ બપોરનાં પરિવારનાં ઘરમાં ઘુસી ગયો હતો.
બાદમાં દિકરી ઉપર હૂમલો કરી અને આજે તો તું જોઇ લે તેમ કહી તેનું ટી-શર્ટ ફાડી નાખ્યુ હતું.
આ દરમ્યાન દિકરીને બચાવવા પડેલ તેની માતાને પણ વીકીએ માર માર્યો હોવાની ફરીયાદ મહિલાએ નોંધાવતા પીએસઆઇ કે. કે. મારૂએ તપાસ હાથ ધરી છે.