સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th April 2021

તળાજા તાલુકામાં ઘાટરવાળા ગામે ૫૧ લાખના ખર્ચે નૂતન શિવ મંદિરનું નિર્માણ થશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : પુ. સંત સીતારામ બાપુ (શિવકુંજ આશ્રમ અધેવાડા )ની જન્મભુમી ઘાટરવાળા ગામ ખાતે શિવાલયના પુનઃનિર્માણની શરૂઆત પુ.સીતારામબાપુના હસ્તે શીલા પૂજન દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂજય સીતારામ બાપુ વર્તમાન સમયમાં મંદિરનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે 'મંદિરમાં જઈ એકાગ્રતાથી પ્રાર્થના કરીએ તો શાંતિ મળે છે.હરિનામ દ્રઢ કરવા મંદિર અતિ આવશ્યક છે. મંદિરે જવાથી પવિત્ર થવાનો, પાવન થવાનો એહસાસ થાય છે, શાંતિ પ્રાપ્ત થાય છે. મંદિરોમાં પણ આસુરી તત્વો સામે રક્ષણ માટે દેવતવના આયુધો શિલ્પશાસ્ત્રમાં નિશ્ચિત કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, નેક,ટેક અને શીલવાન જીવનના પાયાને કોઈ ડગાવી શકે નહીં. તેમજ દ્રઢતાથી હરિ ભજન થાય તો ઈશ્વર કૃપા કરે જ...' આ પ્રસંગે ગ્રામજનો સહકારની કોરોનાની ગાઈડ લાઈનના પાલન સાથે ભાવથી જોડાયા હતા. મંદિર કમિટીમાં સૌ સભ્યો ઉત્સાહથી કામ કરી રહ્યા છે.

(11:41 am IST)