સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th April 2021

કચ્છમાં કોરોનાથી વધુ ૧૨ મોત : મૃતદેહ ગુમ થતા ડખ્ખો

કચ્છમાં સરકારી ચોપડે પણ કોરોના બન્યો વિકરાળ : ૧૫૦ મૃતદેહો નિકાલ માટે પડી રહ્યા હોવાની ચર્ચા : દાખલ થયેલાં ૪ દર્દીઓના ગુમ મૃતદેહો ડખ્ખા બાદ સોંપાયા, મોત વધ્યા હોઈ મૃતદેહોના નિકાલ માટેની વ્યવસ્થા ખોરવાઈ હોવાની ચર્ચા અંગે તંત્ર સત્ય બહાર લાવશે?, સચિવ જે.પી. ગુપ્તાના વાયદા પછી સારવાર માટે ઇન્જે. ઓકિસજન નથી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૭ :  કચ્છમાં કોરોના કેટલી હદે વિકરાળ બની રહ્યો છે, એ હકીકત હવે જિલ્લાની મુખ્ય સરકારી કોવીડ હોસ્પિટલની ગંભીર પરિસ્થિતિ દર્શાવી રહી છે. એકબાજુ કચ્છમાં કોરોનાની વણસતી પરિસ્થિતિમાં સંવેદનશીલ સરકાર અને તંત્ર વતી પ્રભારી સચિવ જે.પી ગુપ્તા પરિસ્થિતિ થાળે પડશે એવા આશ્વાસન સાથે વ્યવસ્થા ગોઠવવા આશ્વાસન આપી રહ્યા છે. પણ, રેમડેસિવિર ઈન્જેકશન અને ઓકિસજન ખૂટી જતાં દર્દીઓની સારવાર ખોરવાઈ ગઈ છે.

બીજી બાજુ કચ્છ જિલ્લાની મુખ્ય સરકારી કોવીડ હોસ્પિટલ અદાણી જી.કે. જનરલ હોસ્પિટલમાં મૃતદેહો ગુમ થયા અંગે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોએ કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અને તંત્ર દ્વારા થઈ રહેલ બેદરકારીભરી કામગીરીની સામે સવાલો ખડા કર્યા છે. અહીં સીધો સવાલ કચ્છના વહીવટીતંત્રના વડાઓ કલેકટર, એડી. કલેકટર, ડીડીઓ, ડીએચઓ, અદાણી ગેઈમ્સના મેનેજમેન્ટ સામે છે. ગઇકાલે તંત્ર અને મીડિયાના ગ્રુપમાં એએનઆઈ ના કચ્છના રિપોર્ટર અશોક પોમલ પોતાના એક પરિચિત પરિવારના દર્દી ગુમ છે એવો સતત સવાલ કરતા હતા પણ કોઈ અધિકારીએ જવાબ આપવાની તસદી લીધી નહીં.

અંતે કલાકો બાદ તે દર્દીના મોતની ખબર મળી. આ બધા વચ્ચે ભુજની મુખ્ય સરકારી કોવીડ હોસ્પિટલ પોતાના સ્વજન એવા દર્દીઓ ગુમ થયા હોઈ તેમના મોતની આશંકા સાથે તેમના મૃતદેહોને શોધતા પરિવારજનો દ્વારા કરાયેલ ડખ્ખાનો એક વીડિયો વાયરલ થયો. તે સાથે જ ખળભળાટ મચી ગયો. ચાર ચાર દર્દીઓ ના મૃતદેહો ગુમ થયા હતા અને તંત્ર પાસે કોઈ જવાબ નહોતો. જોકે, થોડા કલાકો બાદ અદાણી મેનેજમેન્ટ દ્વારા આ અંગે માફી માંગતો ખુલાસો પ્રસિદ્ઘ કરાયો.  પરંતુ, કચ્છમાં કોરોનાના દર્દીઓની સારવાર સામે સવાલો સાથે તેમના મોત બાદ પણ તંત્ર મોતનો મલાજો ચૂકે છે એવી ચર્ચા સાથે હજીયે ૧૫૦ મૃતદેહો નિકાલની રાહ જોઈ રહ્યા છે એવી વાતો અને અફવાએ જોર પકડ્યું છે. અલબત્ત્। આ વાત બિન સત્ત્।ાવાર છે, પણ મોત કે મૃતદેહો અંગેનું કે લાશના અંતિમ સંસ્કાર અંગેનું જે કંઈ સત્ય હોય તે તંત્રએ સત્ત્।ાવાર રીતે ઉજાગર કરવું જોઈએ. દરમ્યાન કચ્છમાં નવા ૨૩૨ કેસ સાથે સારવાર લેતાં દર્દીઓની સંખ્યા ૧૮૭૧ થઈ છે. તો, સત્ત્।ાવાર મોત ૧૨ દર્શાવાયા છે.

(11:36 am IST)