સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th April 2021

ભચાઉના યુવા પત્રકાર અને રમુજી મિત્ર નરેન્દ્રસિંહ જાડેજાનું કોરોનાથી મૃત્યુ

હમેશાં હસતા, હસાવતા અને મિત્રોને ઉપયોગી થતા હમદર્દ પત્રકાર મિત્રના મોતથી ગ્લાનિ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૭: કોરોના મહામારીમાં અનેકના જીવ જઇ રહ્યા છે. રાજકીય નેતાથી લઇ પોલિસ કર્મચારી, ફિલ્મ કલાકારો અને હવે પત્રકારો પણ સંક્રમિત થઇ મોતને ભેટી રહ્યા છે. ત્યારે જાગૃતિ સાથે પત્રકારોએ કામ કરવાની જરૂર છે. હમણાં જ ખ્યાતનામ ફોટોગ્રાફર પત્રકાર શૈલેષ રાવલનુ કોરોનાથી મોત થયું.

તો, હવે કચ્છના જ એક યુવા પત્રકારને કોરોના ભરખી ગયો છે. ભચાઉના દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ અને માર્કેટીંગનુ કામ સંભાળતા અને મૂળ ભચાઉ તાલુકાના ચિરઇ ગામના વતની નરેન્દ્રસિંહ જાડેજાનુ દુઃખદ નિધન થયુ છે.

નરેન્દ્રસિંહ ભુજમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. તેમના મોતથી ન માત્ર પત્રકાર જગત પરંતુ ભચાઉ સહિત સમગ્ર કચ્છમાં શોક ફેલાયો છે. પત્રકારની સાથે સાથે તેઓ એક રમુજી વ્યકિત તરીકે મિત્રોમાં વધુ લોકપ્રિય હતા. જયારે કામ હોય ત્યારે અડધી રાત્રે પણ તે મદદ માટે તૈયાર હોય એવા અનેક કિસ્સાઓ છે. હંમેશા હસતા ચહેરે અમે નરેન્દ્રસિંહને જોયા છે. એક મિત્ર અને સારા વ્યકિત તરીકે હમેંશા તેઓ યાદ રહેશે. જયારે ભચાઉ જઈએ ત્યારે ફોન કરીએ અને તેઓ રૂબરૂ મળવા દોડી આવે. પરંતુ મળતાની સાથે તે પુછતા ઠંડુ ફાવશે કે ગરમ? અને જમ્યા વગર તો જવા નહીં જ મળે તેવો આગ્રહ કરી આતિથ્ય કરતાં. સાથે હોઈએ ત્યારે પોતાના રમુજ ભર્યા કિસ્સા સંભળાવી હસાવતા. મિત્ર તરીકે હમેશાં ચિંતા કરી ખ્યાલ રાખવાનું કહેતા. કચ્છના અનેક પત્રકારો જોડે તેમના મૈત્રીભર્યા સંસ્મરણો હતા અને તેથીજ તેમના મોત બાદ સૌએ તેમને લાગણીસભર ભાવાજંલિ અર્પી છે.

મિત્રના મિત્રનુ કામ હોય કે પછી કોઇ પત્રકારમિત્રને મુશ્કેલી હોય તેઓ હમેંશા મદદ કરતા. ભચાઉ પત્રકાર એસોસીએશનના પ્રમુખ તરીકે પણ તેઓ રહી ચુકયા હતા. તેમના મૃત્યુના સમાચારથી અનેક પત્રકાર મિત્રો, રાજકીય, અને સામાજીક આગેવાનોએ આધાત સાથે શોક વ્યકત કર્યો છે.

કોરોનાની કપરી પરિસ્થિતિમાં અત્યારે પોતાની કે પરિવારની ચિંતા કર્યા વગર અનેક પત્રકાર મિત્રો નિષ્ઠા સાથે પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે જવાબદારી નિભાવવા સાથે સ્વરક્ષણ પણ એટલુ જ જરૂરી છે. મિત્ર એવા નરેન્દ્રસિંહ ના આત્માને પ્રભુ શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે અન્ય પત્રકારો સાવચેતીપૂર્વક પોતાનો પત્રકાર ધર્મ નિભાવે એવી નમ્ર વિનંતી.

(11:42 am IST)