સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th April 2018

કોડીનાર કુમાર શાળાના શિક્ષક અરજણભાઇ વાઝાને નિવૃતિ વિદાય સન્માન

૩પ વર્ષ પ્રા. શિક્ષક તરીકે નિષ્ઠાથી ફરજ બજાવી નિવૃત શિક્ષકે બાળકોને ગણવેશ શૈક્ષણીક કીટ આપવાની કરેલી જાહેરાત

કોડીનાર તા. ર૭ :.. જે શાળામાં હાજર થઇ સળંગ ૩પ વર્ષ પ્રા. શિક્ષક તરીકે ફરજ બજાવી તે જ શાળામાંથી નિવૃત થઇ રહેલા શ્રી અરજણભાઇ ગોવિંદભાઇ વાઝાને કોડીનાર કુમાર શાળા પરિવાર ભવ્ય નિવૃતિ વિદાય સન્માન કાર્યક્રમ દ્વારા શુભેચ્છા પાઠવામાં આવી હતી.

આ પ્રસંગે નિવૃત થતા શિક્ષકશ્રીએ નવા સત્રમાં કુમાર શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર તમામ બાળકોને ગણવેશ તથા સંપૂર્ણ શૈક્ષણીક કીટ આપવાની જાહેરાત કરી સાથે સાથે શાળાને પણ ૧૦ ખુરશી અને ૧ વોલકલોક અર્પણ કરેલ તથા કોડીનાર તાલુકા પ્રા. શિક્ષક સંઘને પણ રોકડ રૂ. ૧૧૦૦ ની ભેટ અર્પણ કરી ત્યારે ઉપસ્થિત સૌ એ તાળીઓથી વધાવી લીધેલ આ અગાઉ તેઓએ શાળાનાં ૬૦૦ બાળકોને બટૂક ભોજન પણ કરાવ્યું હતું.

આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથના ચેરમેન શ્રી મંજૂલાબેન વતી હાજર રહેલા તેમના પતિ શ્રી ધીરૂભાઇ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ જયારે દિપ પ્રાગટય ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી પી. એસ. ડોડીયાનાં હસ્તે કરવામાં આવેલ અન્ય આગેવાનોમાં કોડીનાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી બાબુભાઇ સોલંકી, તાલુકા પ્રા. શિક્ષણ અધિકારી શ્રી જાદવ, કે. ની. શ્રી અભેસિંહભાઇ ડોડીયા, બી. આર. સી. શ્રી જયાબેન ગોહીલ તમામ આચાર્યશ્રીઓ, સી. આર. સી. શ્રીઓ, જિલ્લા ઉત્કર્ષ શિક્ષક મંડળના પ્રમુખશ્રી ડી. ડી. મકવાણા, તાલુકા સંઘના માજી પ્રમુખોશ્રી વરજાંગભાઇ મોરી, અરસીભાઇ ઝાલા, ગીર સોમનાથ જિલ્લા પ્રા. શિક્ષક સંઘના સુચિત પ્રમુખશ્રી હમીરભાઇ ખસીયા, હોદેદાર શ્રી હરીભાઇ વાળા હાજર રહી શ્રી અરજણભાઇ વાઝાની કાર્યશૈલીને બિરદાવી વિશેષ જીવનની શુભેચ્છા પાઠવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય તથા તાલુકા સંઘનાં પ્રમુખ એવા શ્રી નારણભાઇ ઝાલાએ સ્વાગત પ્રવચન તથા નિવૃત થઇ રહેલા શિક્ષકના જીવનનો પરિચય આપ્યો હતો. સ્વાગત ગીત ને બદલે વાસળીના મધુર સૂરોથી શાળાનાં શિક્ષક ડો. રમેશભાઇ મેરે સૌનું સ્વાગત કર્યુ હતું. જયારે આભારવિધિ શાળાના શિક્ષક શ્રી જે. ડી. જેઠવાએ કરેલ અને કાર્યક્રમનું સફળ સંચાલન કોડીનાર તાલુકા પ્રા. શિક્ષક સંઘના મંત્રીશ્રી કનૈયાલાલ દેવાણીએ કરેલ.

(11:51 am IST)