સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th March 2019

સુરેન્દ્રનગર જીલ્લામાં માલધારીઓ મુસીબતમાં : પશુઓ સાથે ઘાસચારાની શોધમાં દોડધામ

વઢવાણ તા.૨૭ : ગુજરાતભરમાં દુષ્કાળના ડેરા તંબુ તણાયા છે. ત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જગતનો તાત પાયમાલ બન્યો છે ત્યારે ગુજરાત સૌરાષ્ટ્રમાં ચોમાસુ નિષ્ફળ જવાના કારણે પોતાની આજીવિકા પરિવારનું ભરણપોષણ જેના ઉપર આધારીત છે જે ઢોર ઢાંખરને ચારા પાણીની ગંભીર સમસ્યા સર્જાવાના કારણે કચ્છના અનેક સંધી પરિવારજનોએ વતનની વાટ મેલી અને જયાં ચારા પાણી જડે તેવા ગામમાં પડાવો નાખી નાખી એના મહામૂલા પશુધનને બચાવવા માટે હવાતીયા મારી રહ્યા છે.

ત્યારે હાલમાં સંધી સમાજના યુવા પ્રમુખ મયુરભાઇ સંધી દ્વારા જણાવાઇ રહ્યુ છે કે કચ્છના માલધારીઓ છેલ્લા ચાર ચાર માસથી પોતાના વતન કચ્છની વાત મેલી દીધી છે અને ધ્રાંગધ્રા, માલયણ, ટિકર, લીંમડા તાલુકો,  બગોદરા, સાણંદ સહિતના ગામોમાં ૧૫૦ જેટલા પરિવારજનો પોતપોતાના પરિવાર સાથે ચારા પાણીની શોધમાં નીકળી પડયા છે. ત્યારે ઉનાળાની શરૂઆત આકરી થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે અને હાલમાં પશુધન અને હિજરત કરીને નીકળેલા કચ્છી માલધારીઓને ખાવા પીવાના પાણી પશુધન માટે ચારા પાણી વગેરે ગંભીર સમસ્યા સર્જાવા પામેલ છે ત્યારે વન વગડામાં ઝુપડા બાંધી અને પોતાના પશુધનને જોઇને માલધારીઓ નિશાસા નાખી રહ્યા છે.ચાર માસ તો નિકળી ગયા ઉનાળાનો સમય પસાર કરવો કપરો છે ત્યારે સરકાર તાત્કાલીક અસરે માલધારી પરિવારજનોની વ્હારે આવી ઢોરવાડા અને માલીકો માટે રહેવા જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી હાલમાં હિજરતી પશુપાલકોની માંગ ઉઠવા પામેલ છે.

(11:59 am IST)