જૂનાગઢના કેરાળાના આધેડની હત્યામાં પત્ની-પુત્ર અને સગીર પુત્રીની ધરપકડ
માતા - પુત્રની રીમાન્ડ માટે તજવીજ : પુત્રી બાળહોમના હવાલે
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૭ : જૂનાગઢના કેરાળા ગામના કોળી દિપકભાઇ ચનાભાઇ ઉર્ફે ચંદુભાઇ કુડેચા નામના આધેડની હત્યામાં તેની પત્ની-પુત્ર અને પુત્રીની પોલીસે ધરપકડ કરી માતા-પુત્રના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે અને પુત્રીને બાળહોમમાં મોકલી આપી છે. જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે રહેતા દિપક કુડેચાની ગુરૂવારની રાત્રે તેમની જ વાડીએ હત્યા થઇ હતી. દિપકભાઇ સાથે તેના પત્ની વિજયાબેન તથા પુત્ર જયેશ અને સગીર પુત્રીએ માથાકુટ કરીને કોદાળીના ઘા ઝીંકીને દિપકભાઇની હત્યા કરી નાંખી હતી. ઘરકંકાસને લઇ હત્યા થયાની જાણ થતાં તાલુકા પીએસઆઇ સગારકા સ્ટાફ સાથે દોડી ગયા હતા અને મૃતકની માતા હેમીબેનની ફરીયાદ લઇ મરનારની પત્ની, પુત્ર અને પુત્રી સામે હત્યાનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. પોલીસે ત્રણેયને ગુરૂવારની રાત્રે જ રાઉન્ડઅપ કરી લીધા હતા. જોકે ગઇકાલે મોડી સાંજે વિજયાબેન અને તેના પુત્ર જયેશની વિધિવત ધરપકડ કરી હતી. જ્યારે પુત્રી સગીર હોય તેથી તેને બાળહોમમાં મોકલી આપી હતી. પીએસઆઇ એસ.એન.સગારકાએ માતા-પુત્રને વધુ તપાસ અને પૂછપરછ માટે રીમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.