સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th February 2021

કેશોદમાં મહિલા ભાડુઆત પર મકાન માલિક મહિલા, તેની પુત્રી - જમાઇનો હુમલો

લાઇટ બીલ અને એડવાન્સ ભાડાના પ્રશ્ને તૂટી પડયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૭ : કેશોદમાં મહિલા ભાડુઆત પર મકાન માલિક મહિલા તથા તેની પુત્રી અને જમાઇએ હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.

કેશોદમાં ગાયત્રી મંદિર સામે આવેલ શ્રીનગર સોસાયટીમાં પુજાબેન અમિતભાઇ ઠાકર (ઉ.વ.૨૫) બીનાબેન નરભેરામના મકાનમાં ભાડેથી રહે છે. ગઇકાલે મકાન માલિક બીનાબેન તથા તેની સોનારીયા ગામે રહેતી પુત્રી પારૂલ અને જમાઇએ ભાડુઆત પુજાબેન સાથે લાઇટ બિલ તેમજ એડવાન્સ ભાડા બાબતે માથાકુટ કરી હતી.

બાદમાં ત્રણેયે ઢીકાપાટુનો માર માર્યો હતો અને પારૂલના પતિએ કપડા ધોવાના ધોકા વડે માર મારી અને પુજાના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સામાપક્ષે પુજાબેન અને તેના પતિ અમિત પ્રફુલભાઇ ઠાકરે ભાડુ ન ચુકવી અને લાઇટ બિલના પૈસા ન આપી બીનાબેન અને તેની દિકરી તેમજ જમાઇને ગાળો કાઢી અને ઢીકાપાટુનો માર માર્યો હતો.

કેશોદ પોલીસે બંને મહિલાની સામસામી ફરિયાદ પર ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ હેડ કોન્સ્ટેબલ પી.એમ.બાબરીયા ચલાવી રહ્યા છે.

(12:51 pm IST)