સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th February 2021

સૌરાષ્ટ્રની ૧૮ પાલિકા, ૮ જીલ્લા, પપ તાલુકા પંચાયતોનો કાલે ચૂંટણી જંગ

ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અપક્ષ ઉમેદવારો મેદાનમાં: મંગળવારે મત ગણતરી

રાજકોટ તા. ર૭ :.. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કાલે છેલ્લા તબકકાનું મતદાન થશે કાલે સૌરાષ્ટ્રની ૧૮ નગરપાલીકા, ૮ જીલ્લા પંચાયતો અને પપ તાલુકા પંચાયતોની બેઠકો માટે મતદાન થશે. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન થશે.

ગઇકાલે ચૂંટણી પ્રચાર શાંત થયા બાદ આજે સવારથી ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર અને બેઠકોનો ધમધમાટ શરૂ થયા છે.

મંગળવારે સવારે આ ચૂંટણીની મત ગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં કોનુ શાસન આવશે તે નકકી થઇ જશે.

સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અપક્ષ ઉમેદવારોએ ઝૂકાવ્યુ છે.

આ ચૂંટણી અમરેલી પાલિકાનાં ૧૧ વોર્ડ, બગસરામાં ૭, સાવરકુંડલા ૯, દામનગર, બાબરામાં ૬-૬, ખંભાળીયા-જામરાવલમાં ૭-૭, કેશોદ-૯, પોરબંદર ૧૩, ગોંડલ-વેરાવળ-૧૧-૧૧, ઉના -૯, સુત્રાપાડા-તાલાલા-૬-૬, મોરબી-૧૩, વાંકાનેર-૭, માળીયા મિંયાણા, ૬ અને સિકકામાં ૭ વોર્ડની ચૂંટણી યોજાશે.

જયારે જીલ્લા પંચાયતોમાં રાજકોટની ૩૬, મોરબી-ર૪, જુનાગઢ-૩૦, ગીર સોમનાથ-ર૮, જામનગર-ર૪, દેવભૂમિ દ્વારકા-રર, પોરબંદર-૧૮ અને અમરેલી જીલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે મતદાન થશે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢઃ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી  કાલે રોજ યોજાશે. જયારે મતગણતરી તા.૨/૩/૨૧ના થશે. આ ચૂંટણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના માર્ગદર્શન હેઠળ ૯ તાલુકાની શાળા,કોલેજ અને આઇ.ટી.આઇ ખાતે ડીસ્પેચીંગ,રીસીવીંગ સેન્ટર,ઇ.વી.એમ સ્ટ્રોંગ રૂમ અને મતગણતરીના સ્થળો તૈયાર કરવામાં આવ્યા છે.

જૂનાગઢ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર,ઇ.વી.એમ સ્ટ્રોંગ રૂમ અને મતગણતરીના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢ માટે બહાઉદ્દીન કોલેજ,વંથલી માટે કન્યા શાળા ખાતે રાખવામાં આવ્યું છે.

જયારે માણાવદર માટે સરકારી હાઇસ્કુલ ખાતે ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર,ઇ.વી.એમ સ્ટ્રોંગ રૂમ જયારે મતગણતરી લાયન્સ સ્કુલમાં  થશે. કેશોદમાં આઇ.ટી.આઇ ખાતે,માંગરોળમાં ડીસ્પેચીંગ રીસીવીંગ સેન્ટર તાલુકા પંચાયત કચેરી અને ઇ.વી.એમ સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી એમ.એન.કંપાણી, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે થશે. મેંદરડામાં આઇ.ટી.આઇ ખાતે,માળીયા હાટીનામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા,વિસાવદરમાં વી.ડી.પટેલ શૈક્ષણિક સંકુલ, માંડાવડ ગામે  અને ભેંસાણ સરકારી વિનયન કોલેજ ખાતે ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર,ઇ.વી.એમ સ્ટોગ રૂમ અને મતગણતરીનું સ્થળ છે.

સુરેન્દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતની ૧૮૨ બેઠકો પૈકી ૧૬ બેઠકો બિનહરીફ થતા કુલ ૧૬૬ બેઠકો માટે ૧૦૩૪ મતદાન મથકો પરથી તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ૪,૨૧,૧૫૮ પુરુષ મતદારો અને ૩,૭૬,૮૮૨ સ્ત્રી મતદારો મળીને કુલ ૭,૯૮,૦૪૦ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે તેમ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂંટણી શાખાના નાયબ કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવાયુ છે.

જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાની ૧૮ બેઠકો માટે ૧૦૭ મતદાન મથકોમાં, ચુડા તાલુકાની ૧૬ બેઠકો માટે ૭૮ મતદાન મથકોમાં, દસાડા તાલુકાની ૨૨ બેઠકો માટે ૧૬૫ મતદાન મથકોમાં, ધાંગધ્રા તાલુકાની ૨૦ બેઠકો પૈકી ૬ બેઠકો બિનહરીફ થતા ૧૪ બેઠકો માટે ૧૨૭ મતદાન મથકોમાં, લખતર તાલુકાની ૧૬ બેઠકો માટે ૭૫ મતદાન મથકોમાં, લીંબડી તાલુકાની ૧૮ બેઠકો પૈકી ૧ બેઠક બિનહરીફ થતાં ૧૭ બેઠકો માટે ૧૨૨ મતદાન મથકોમાં, મુળી તાલુકાની ૧૮ બેઠકો પૈકી ૨ બેઠક બિનહરીફ થતાં ૧૬ બેઠકો માટે ૧૦૧ મતદાન મથકોમાં, સાયલા તાલુકાની ૨૦ બેઠકો માટે ૧૨૬ મતદાન મથકોમાં, થાનગઢ તાલુકાની ૧૬ બેઠકો પૈકી ૭ બેઠકો બિનહરીફ થતા ૯ બેઠકો માટે ૩૮ મતદાન મથકોમાં અને વઢવાણ તાલુકાની ૧૮ બેઠકો માટે ૯૫ મતદાન મથકો પરથી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે.

જસદણ

જસદણ : કાલે રવિવારે રાજ્યમાં અન્યત્ર ચૂંટણી સાથે જસદણ અને વિંછીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની કેટલીક સીટોની ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે લોકશાહીના આ પાવન અવસરે પૂર્ણ મતદાન થાય તે માટે થોડો સમય કાઢવા મતદારોને અપીલ હુસામુદીન કપાસી (મો. ૯૯૨૪૦ ૧૪૩૫૨) એ કરેલ છે. તેમણે જણાવ્યું હતુ કે કાલે રવિવારે લોકશાહીને જીવંત બનાવતો મતદાનનો રૂડો પ્રસંગ છે ટીવી ડિબેટમાં ભલે કહેવાય કે 'ચૂંટણી એટલે ઘેટાઓને એમના જ ઉનના ધાબળા ઓઢાડતા વાયદાઓની મોસમ' પણ કાલની ચૂંટણીમાં સરકારી તંત્ર દ્વારા સરળ અને સુંદર વ્યવસ્થા ગોઠવાય છે. લોકશાહીના સ્થંભ મજબુત  કરવા ચૂંટણી અતિ આવશ્યક છે ત્યારે જસદણ અને વીંછીયા તાલુકાના તમામ ગામોના મતદાર નાગરિક ભાઇ બહેનો કોઇ પણ જાતની આળસ ભયમુકત બની અને લોભ લાલચ વગર સજાગતાથી મતદાન જરૂર કરે અને લોકશાહીના આ પર્વને વધુ ને વધુ દીપાવે એવી અપીલ હુસામુદીન કપાસીએ કરેલ છે.

(11:31 am IST)