ભાવનગરના કોલેજીયન યુવાનની હત્યા
સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કરવાના મામલે બે શખ્સોએ મરણતોલ માર માર્યો
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૭ : ભાવનગરમાં કોલેજીયન યુવાનની હત્યા થઇ છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવાના મામલે બે શખ્સોએ મરણતોલ માર માર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરની કોલેજમાં અભ્યાસ કરતા મહુવા તાલુકાના કાટીકડા ગામના વિદ્યાર્થી પ્રવિણ ગભાભાઇ ધાપા (ઉ.૨૨) તેના ગામની સીમમાં વાડીએ હતા ત્યારે બે શખ્સો તેને ઉઠાવી જઇ પાઇપ વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડતા તાત્કાલિક ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પરીણમ્યો હતો.
આ બનાવ અંગે મૃતક યુવાનના દાદાના દિકરા મયુરભાઇ ધાપાના જણાવ્યા મુજબ મૃતક પ્રવિણએ થોડા દિવસ પહેલા સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો. જેની દાઝ રાખી આ ગામના મહિપત અને મેરામ નામના શખ્સોએ પ્રવિણને વાડીએથી પોતાની વાડીએ લઇ જઇ પાઇપના ઘા ફટકાર્યા હતા. આ બનાવ અંગે દાઠા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.