સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

ચોટીલા રેફરલ હોસ્પીટલમાં તોડફોડ કરનાર સુલતાન ૫કડાયો

સરકારી મીલકતને નુકશાનની ફરિયાદ બાદ પોલીસની કાર્યવાહી :રાતના સમયે આવારા તત્વોએ તોડફોડ કરી હતી

 ચોટીલાની સરકારી રેફરલ હોસ્પીટલમાં રાતના સમયે આવારા તત્વોએ તોડફોડ કરી હતી.જેમાં સ્ટાફ સાથે ગેરવર્તણુંક કરી હોસ્પીટલની ચેમ્બરના કાચને પાટુ મારી તોડી નાંખવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ થઈ છે. હોસ્પીટલના અધીક્ષક ડોકટરે આ અંગે પોલીસ ફરીયાદ કરતા પોલીસે તોડફોડ કરનાર શખ્સ સુલતાનને પકડી લીધો હતો

ચોટીલાની સરકારી રેફરલ હોસ્પીટલમાં છેલ્લા થોડા સમયથી આવારા તત્વોનો ત્રાસ વધી ગયો છે. ત્યારે બેફામ બની ગયેલા આવારા તત્વોએ હોસ્પીટલના તબીબ અને સ્ટાફ સાથે ગેરવર્તણુંક કરી પોતાનો રોફ જમાવવા તા. 22ના રોજ હોસ્પીટલની અંદર આવેલી ચેમ્બરના કાચ પર પાટુ મારી કાચ ફોડી નાંખ્યા હતા. આ સમગ્ર ઘટના હોસ્પીટલના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અને તોફડફોડના વીડીયો પણ વાયરલ થઈ ગયા હતા. સમગ્ર બનાવ અંગે ચોટીલા રેફરલ હોસ્પીટલના અધીક્ષક ડૉ. રવી ઝાંપડીયાએ ચોટીલા પોલીસમાં લેખીત અરજી કરી પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જેમાં પોતાના ભાઈની સારવાર માટે તા. 22ના રોજ રાત્રે 9.25 કલાકે આવેલા સુલતાન જાડેજાએ સ્ટાફ સાથે અભદ્ર વર્તન કરી સરકારી મીલકતને નુકશાન પહોંચાડયુ હતુ.

આટલેથી ન અટકતા સુલતાન જાડેજાએ ફરજ પરના ડોકટરને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગાળો આપી બહાર નીકળ તને જોઈ લઈશ તેમ કહ્યુ હતુ. આ ઉપરાંત હું સુલતાન છુ, ગામમાં સુલતાન એક જ હોય છે તને ખુરશીનો પાવર હોય તો કાઢી નાંખશે તેમ પણ બોલ્યો હતો. ડોકટરની ફરીયાદને આધારે ચોટીલા પોલીસે સીસીટીવીના ફુટેજને આધારે ગણતરીની કલાકોમાં આરોપી સુલતાન જાડેજાને ઝડપી લીધો હતો. .

(12:33 am IST)