સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

માતા સાથે સુતેલી ૭ માસની બાળકીને જનાવર લઇને ભાગ્યું: પીછો કરી બચાવાઇ

બાબરાના જામ બરવાળામાં બનાવઃ બાળા રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૨૭: બાબરાના જામ બરવાળા ગામે વિનુભાઇ પટેલની વાડીમાં રહી ખેત મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના દંપતિ પ્રવિણ નિનામા અને કાળીબેન નિનામાની દિકરી રસીના (ઉ. ૭ માસ)ને ૨૪મીની રાતે અગિયારેક વાગ્યે તેણી માતા કાળીબેનના પડખામાં સુતી હતી ત્યારે એક જનાવર તેને ઉઠાવીને ભાગતાં જનાવરનો પીછો કરી બાળકીને બચાવી લેવાઇ હતી. બાળકીને માથા-મોઢા પર દાંત બેસી ગયા હોઇ સારવાર માટે બાબરા, અમરેલી હોસ્પિટલમાં લઇ જવાયા બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી છે.
પ્રવિણના પત્નિ કાળીબેનના કહેવા મુબજ તેને બે દિકરા અને ૭ માસની દિકરી છે. દિકરીને પોતે પડખામાં સુવડાવીને સુતા હતાં ત્યારે કોઇ જનાવર ઉઠાવીને ભાગતાં દિકરી રડવા માંડતા પોતે, પતિ અને દિયર જાગી જતાં જનાવરનો પીછો પકડ્યો હતો. હાકલા પડકારા કરતાં અંતે દિકરીને મુકીને જનાવર ભાગી ગયું હતું. આ જનાવર દિપડો હતો કે બીજુ કંઇ હતું? તે ખબર પડી નથી. બાબરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
 

(11:42 am IST)