સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

અહીંની સંસ્કૃતિ, કચ્છી કલા, લોકોની મીઠાશ મારા માટે આજીવન સંભારણુઃ કચ્છમાં જવાનોની વિરતાને બિરદાવતા રાજ્યસભાના સાંસદ ડો. સુભાષચંદ્રજી

કચ્છ: પ્રજાસત્તાક દિને રાજ્યસભાના સાંસદ ડો. સુભાષ ચંદ્રાજીએ કચ્છ બોર્ડરની મુલાકાત લઈને વીર જવાનો સાથે સમય વિતાવ્યો હતો. તેમણે કચ્છ સરહદ પર 26 મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તો સાથે જ જવાનોની કામગીરીને બિરદાવી હતી. ઠંડી, ગરમી કે વરસાદ... ગમે તે પરિસ્થિતિમાં આ જવાનો દેશની સરહદ ઉપર આપણી રક્ષા કરતા હોય છે ત્યારે તેમણે જવાનોને બિરદાવ્યા હતા અને હર્ષભેર તેમની સાથે મીઠાઈ વહેંચી હતી. માં ભોમની રક્ષા કરતાં સરહદના સંત્રી એવા સૈનિકોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.

કચ્છની સરહદે આવેલા વોર મેમોરિયલની મુલાકાત સુભાષ ચંદ્રાજીએ લીધી હતી અને શ્રદ્ધા સુમન સ્વરૂપ પુષ્પો અર્પણ કર્યા હતા. ગણતંત્ર દિવસ પર તેમણે મા ભોમનું રખોપુ કરતા શહીદ થયેલા આ જવાનોને તેમણે આ સ્થળે શ્રદ્ધા સુમન સાથે વંદન કર્યા હતા.

તો બીજી તરફ સુભાષ ચંદ્રાજી ગુજરાત ટુરિઝમથી અત્યંત પ્રભાવિત થયા હતા. તેઓ સફેદ રણની સફેદીથી અભિભૂત થયા હતા અને પીએમ મોદીજીના દૂરંદેશી વિચાર અને વિકાસ કાર્યોના વખાણ કર્યા હતા. રાજ્યસભાના સાંસદ સુભાષ ચંદ્રાજીએ આજે ધોરડો મુકામે સફેદ રણની મુલાકાત લીધી હતી ત્યારે લાલુજી એન્ડ સન્સના મેનેજર અમિત ગુપ્તાએ તેમનું સ્વાગત સન્માન કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, વિવિધતામાં એકતા એ ભારત દેશની ઓળખ છે, ત્યારે ગુજરાતમાં કેટલાય રંગ ભરેલા છે. આ સફેદ રણ જોઈને હું ખૂબ આશ્ચર્યચકિત થયો છું. સફેદ રણને વિશ્વ ફલક પર લાવવા માટે ગુજરાત સરકારને અભિનંદન. અહીંની સંસ્કૃતિ, અહીંના કચ્છી કલા, અહીંના લોકોની મીઠાશ મારા માટે આજીવન સંભારણું બની રહેશે. કચ્છનું સફેદ રણ જોઇને એવું લાગ્યું કે, જો હું અહીં ના આવ્યો હોત તો આ લ્હાવો લેવાથી વંચિત રહી ગયો હોત.

ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં જ સુભાષ ચંદ્રાજીએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને ડો. સુભાષજી ચંદ્રાજી એ કહ્યું હતું કે, મને એવુ લાગે છે કે હું મારી જાતને પ્રશ્ન પૂછુ છું કે હું પહેલા અહી કેમ ન આવ્યો. બાળપણથી જ સરદાર પટેલ વિશે આપણે વાંચતા આવ્યા, સાંભળતા આવ્યા છીએ. ભારતવર્ષને આજે આઝાદીને 70 વર્ષથી ઉપર થયા છે. સરદાર પટેલે દેશને એકત્રિત કરવામાં, દેશને આકાર આપવામાં દેહપુરુષ જેવુ યોગદાન આપ્યું છે. માત્ર તેમના કારણે જ આ શક્ય બની શક્યું. આવા યુગપુરુષને આપણે 70 વર્ષ સુધી ઈગ્નોર કર્યા. તેમને જે સન્માન મળવા જોઈતું હતું તે નથી મળ્યું. પીએમ મોદીને હું પ્રણામ કરુ છું કે, તેઓએ સરદાર પટેલ માટે એક સ્થાન બનાવીને સાબિત કર્યું કે આખો દેશ તેમનો ઋણી હતો, છે અને આગળ પણ રહેશે.

(4:43 pm IST)