સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

ભાણવડમાં ટ્રસ્ટની કરોડોની જગ્યાના વિવાદમાં બન્ને બહેનોની ધરપકડઃ અન્ય ત્રણની શોધખોળ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં સૌ પ્રથમ લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ : મુખ્ય સૂત્રધાર આરતી દિપક પંડિત, તેની બહેન કૃપા ભાવીન ઠાકર, સાજણ ગઢવી, રામભાઈ ગઢવી (ભોગાત), નિલેશ મેર (અમદાવાદ)વાળા વિરૂદ્ધ વારીયા બાલ મંદિરના ટ્રસ્ટીઓએ ફરીયાદ કરી'તી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨૭ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં સૌ પ્રથમ લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભાણવડમાં વારીયા બાલમંદિર ટ્રસ્ટની કરોડોની જગ્યાના વિવાદમાં આરતી દિપકભાઈ પંડિત તથા કૃપા ભાવિનભાઈ ઠાકરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાણવડના હાર્દસમા વેરાડ ગેઈટ મધ્યમાં આવેલી વારીયા બાલમંદિર તરીકે ઓળખાતી વર્ષો જૂની ટ્રસ્ટની કરોડોની મિલ્કત પર કબ્જો કરવા માટે છેલ્લા કેટલાક સમયથી મથામણ કરતી મૂળ ભાણવડ અને હાલ રાજકોટ સ્થિત મહિલા અને તેમની બહેન તેમજ ખંભાળીયાના શખ્સ વિરૂદ્ધ નવા જમીન અધિનિયમનના કાયદા હેઠળ કાર્યવાહી કરવા અને મિલ્કત ટ્રસ્ટને પરત સોંપવા માટે અરજદાર વારીયા બાલમંદિર ટ્રસ્ટના પ્રમુખ બલદેવભાઈ મસરીભાઈ વારોતરીયાએ મૂળ ભાણવડ અને હાલ રાજકોટ રહેતી આરતીબેન દિપકભાઈ પંડિત, તેમની નાની બહેન કૃપા ભાવિન જાની તથા ખંભાળીયામાં રહેતા દિલીપ લાખાભાઈ હાથલીયા સામે કાર્યવાહી કરવા જણાવ્યુ હતું. અરજીમાં જણાવ્યુ હતુ કે શ્રી વારીયા બાલમંદિરએ રજીસ્ટર્ડ ટ્રસ્ટ છે.

આ ટ્રસ્ટની માલિકીની જગ્યા છે. જે જગ્યા આશાદિપ એજ્યુકેશન ટ્રસ્ટને ત્યાં આવેલા રહેણાંક બ્લોક સિવાયની ૧૦ વર્ષ માટે સહયોગ હેતુપુર્તિના કરારથી શૈક્ષણિક પ્રવૃતિઓ ચલાવવા માટે આપેલ હતી. જેનો કરાર ૧-૬-૨૦૧૦થી ૩૧-૫-૨૦૨૦ સુધીનો હતો જે હાલ પુરો થઈ ગયો છે અને હાલ તેમા કાર્યરત શિક્ષણ કાર્ય પણ બંધ છે. કરાર પૂર્ણ થયા બાદ આગળ તેની મુદત ન વધારવા ટ્રસ્ટીઓ માગતા ન હોવાથી તા. ૩૦-૧૧-૨૦૧૮ના રજીસ્ટર એડી મારફત પત્ર વ્યવહાર કરી તેમને આ અંગે જાણ કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ જવાબ રાજકોટ રહેતા આરતી પંડિત દ્વારા આપવામાં આવ્યો ન હતો.

આ ઉપરાંત વાર્ષિક કરાર મુજબ રૂ. ૫ લાખની રકમ તેમણે આપવાની થતી હોય તે પણ દર વર્ષે હપ્તે-હપ્તે આપતા હતા તે રકમ પણ પૂર્ણ કરેલી ન હતી. તેમજ મ્યુનિસિપલ વેરા અને મેન્ટેનેશ પેટેના અંદાજીત કુલ ૧૬ લાખ જેટલી રકમ બાકી હોય જે પણ આજદીન સુધી ભરપાઈ કર્યા નથી. અનેક વખત પત્રવ્યવહારો તેમજ સંપર્ક સાધતા આરતી પંડિતે જણાવી દીધુ હતુ કે હવે આશાદિપ એજ્યુકેશન ટ્રસ્ટ અમારૂ નથી. અમે ટ્રસ્ટ સાજણભાઈ ગઢવી તથા રામભાઈ ગઢવી અને નિલેશભાઈ મેરને આપી દીધુ છે. હવે તમારે તેમની સાથે વહેવાર કરવો. જે અંગેની જાણ પણ અમને કરવામાં આવી ન હતી એ પછી આરતી પંડિતે અન્ય કેટલાક લોકો મારફતે ધાક-ધમકીઓ અપાવી જગ્યા છોડી દેવા માટેનું દબાણ કર્યુ હતું.

જેના તમામ આધાર પુરાવા પણ છે. આ રીતે મિલ્કત પચાવી પાડવાના પ્રયાસો કરવામાં આવતા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જે અન્વયે આરતી પંડિત, સાજણ ગઢવી અને રામભાઈ ગઢવી વિરૂદ્ધ ભાણવડ પોલીસે અટકાયતી પગલા પણ લીધા હતા, જે બાદ આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષકને તમામ આધાર પુરાવા સાથેની અરજી પણ આપેલ હતી. આ પછી સાજણ ગઢવી અને રામ ગઢવીએ હવે આ મામલામાં કયાંય ન હોવાનું પોલીસ સમક્ષ જાહેર કર્યુ હતું.

વધુમાં જણાવ્યુ હતુ કે, આરતી પંડિતે તેમના વકીલ મારફત જગ્યા છોડવા માટે પૈસાની માંગણી કરી હતી અથવા તેમાથી ૨૦ હજાર ચો. ફુટ જગ્યા આપવાનું જણાવેલ હતુ જેનુ પણ રેકોર્ડીંગ છે. આરતી પંડિતની કારી ન ફાવતા તા. ૧૦-૧૧-૨૦૨૦ના તેમના વકીલ  મારફત  જગ્યાનો  કરાર હજુ ચાલુ છે તેવી તકરાર લઈ આ ટ્રસ્ટની જગ્યા પર  કબ્જો  મેળવવા  પ્રયત્ન કરવામાં આવેલ હતો તેમણે મોકલેલી નોટીસનો પણ તમામ  આધાર - પુરાવા સાથે જવાબ રજુ કરવામાં આવેલ છે.

ત્યારે આ ટ્રસ્ટની કરોડોની જગ્યા હોય અને ગામના હિત માટેની આ જગ્યા છે. અહીં ભાણવડ તેમજ પંથકના હજારો વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્યને ઉજળુ કર્યુ છે. જ્યારે માત્ર શૈક્ષણિક હેતુ માટે આ બિલ્ડીંગ હોય અને તેના માટે જ ઉપયોગ થાય તે માટે આ બિલ્ડીંગ આશાદિપ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી આરતી દિપક પંડિતને આપ્યુ હતુ પરંતુ તેમની દાનત બગડતા ભાડા કરાર પૂર્ણ થયા પછી પણ કિંમતી મિલ્કત પચાવી પાડવા અથવા તો ખાલી કરવા માટે મોટી રકમની માંગ કરેલ છે. આથી તાત્કાલીક અસરથી ભૂમાફીયાઓને ભોં મા ભંડારી દેતા નવા કાયદા મુજબ કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યુ હતુ. આ અરજીને ધ્યાને લઈ જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ ઉંડાણપૂર્વક અભ્યાસ કરી આ તપાસ ખંભાળીયા પ્રાંત અધિકારી રમેશ ગુરવને સોંપવામાં આવી હતી.

જે તપાસ પૂર્ણ થયે રીપોર્ટ કલેકટરને સોંપવામાં આવતા કલેકટરે રીપોર્ટના આધારે પોલીસને ગુનો નોંધવા આદેશ કરતા ગતરોજ ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન અને સૂચનાથી ભાણવડ પોલીસે વારીયા બાલમંદિર ટ્રસ્ટના પ્રમુખ બળદેવભાઈ મસરીભાઈ વારોતરીયા રહે. ભાણવડવાળાની ફરીયાદ પરથી આરતીબેન દિપકભાઈ પંડીત રહે. મુળ ભાણવડ હાલ રાજકોટ, તેમની બહેન કૃપા ભાવી જાની રહે. મુળ ભાણવડ હાલ રાજકોટ, સાજણ ગઢવી રહે. મોવાણ તા.ખંભાળીયા, રામભાઈ ગઢવી રહે. ભોગાત, તા. કલ્યાણપુર હાલ ભાટીયા તથા નિલેશ મેર રહે. અમદાવાદવાળા વિરૂદ્ધ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી, ૫૦૪, ૫૦૬ તથા જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ની કલમ ૩,૪(૧), ૪(૨), ૪(૩), ૫(સી) તથા ૫(ઈ) મુજબ ગુનો નોંધી પીએસઆઈ જે.જી. સોલંકીની રાહબરીમાં પોલીસ સ્ટાફે બન્ને બહેનોની ધરપકડ કરી અન્ય ત્રણની શોધખોળ હાથ ધરી છે. જે પૈકીના રામભાઈ ગઢવી અન્ય એક ગુનામાં જેલમાં હોય આથી પોલીસ જેલમાંથી કબ્જો મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અરજદારે કરેલી અરજીમાં આશાદિપ એજ્યુકેશન ચેરી. ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે અને આ ગુનામાં સામેલ ખંભાળીયાના દિલીપ હાથલીયાનું નામ પણ નોંધાયુ હતુ પરંતુ દિલીપ હાથલીયાએ અગાઉ જ ટ્રસ્ટમાંથી ટ્રસ્ટી તરીકેનું રાજીનામુ આપી દીધુ હતુ અને આ અંગેના તમામ દસ્તાવેજી પુરાવા જિલ્લા કલેકટર સહિતના સામે રજુ કરતા તેમનુ નામ આ ફરીયાદમાંથી કમી કરવામાં આવ્યાનું જાણવા મળ્યુ છે. હાલ આ ગુનામાં દિલીપ હાથલીયાને બાકાત કરતા પોેલીસે બન્ને મહિલા સહિત પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

(12:22 pm IST)