સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

કાલથી પોરબંદર - વેરાવળ - દિવ લાઇનની બસો તો ૩૦મીથી ભાવનગર લાઇનની બસો નવા બસ સ્ટેશનથી ઉપડશે : પ્લેટ ફોર્મ ૧૪ થી ૨૦ શરૂ

૧લી ફેબ્રુઆરીએ શાસ્ત્રી મેદાન બસ સ્ટેશન કલેકટરને સોંપી દેવાશે : ઉભા કરાયેલ પ્લેટફોર્મ તોડી પાડવા સૂચના

રાજકોટ તા. ૨૭ : આખરે શાસ્ત્રી મેદાન બસ સ્ટેશન ૧લી ફેબ્રુઆરીથી બંધ કરી દેવાશે અને મેદાન રાજકોટ કલેકટર તંત્રને સોંપી દેવાશે, તેમ એસટીના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, કાલથી પોરબંદર રૂટની તમામ બસો નવા બસ પોર્ટ પરથી રાબેતા મુજબના સમય પ્રમાણે ઉપડશે અને આવશે, જેમાં પ્લેટ ફોર્મ નંબર ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦ ઉપરથી પોરબંદર - જૂનાગઢ - ઉના, કોડીનાર - સોમનાથ, દીવ, ગોંડલ, લોધીકા, ધોરાજી, જેતપુર, વીરપુર, ઉપલેટા, જામજોધપુર, વેરાવળ, બગસરા, ધારી, કુંકાવાવ અને તુલસીશ્યામની બસોનો સમાવેશ થાય છે.

જ્યારે ભાવનગર રૂટની બસો તા. ૩૦થી નવા બસ સ્ટેશન ઉપરથી ઉપડશે. જેમાં પ્લેટફોર્મ નં. ૧૪, ૧૫, ૧૬ ઉપરથી ભાવનગર, ગઢડા, બોટાદ, જસદણ, અમરેલી, સાવરકુંડલા, તળાજા, વિંછીયા, સાળંગપુર રૂટ અને બસનો સમાવેશ થાય છે.

આ ઉપરોકત બસો નવા બસ સ્ટેશન પરથી કાર્યરત થયા બાદ ૩૧મીએ શાસ્ત્રી મેદાન ઉપર ઉભા કરાયેલ પ્લેટફોર્મ, અન્ય માંચડો - બાંધકામ બધુ તોડી પડાશે અને ૧લી ફેબ્રુઆરીએ કલેકટર તંત્રને શાસ્ત્રીમેદાન સોંપી દેવાશે. રાજકોટ એસટી દ્વારા સતત ત્રણ વર્ષ આ મેદાનનો ઉપયોગ કરાયો હતો, હવે ત્યાં ટ્રાફિક હળવો થશે.

(12:15 pm IST)