સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

કેશોદ પાલિકા ચૂંટણીમાં ભાજપના અડધા સભ્યોની ટીકીટ જોખમમાં!

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં દોડાદોડી બહુ કરી છતાં શકયતા બહુ ઓછી છે

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ર૭ :.. ગુજરાતની અન્ય નગરપાલિકાઓ સાથે સ્થાનિક કેશોદ નગરપાલિકાની ચૂંટણી પણ બારણે ટકોરા મારી રહી છે. આ સ્થિતિ વચ્ચે જોઇએ તો સ્થાનીક નગરપાલિકામાં અત્યારે ભાજપના  ર૬ નગરસેવકોની સંખ્યા છે. પરંતુ નવી બોડીમાં આપવા માટે આ છવીસ માંથી લગભગ અડધા સભ્યોની ટીકીટ જોખમમાં હોવાનું ભાજપના આંતરિક વર્તુળોમાં જણાવી રહ્યા છે.

સ્થાનિક નગરપાલિકાની વર્તમાન બોડીની મુદત ૩ માસ પહેલા પુરી થઇ ગયેલી છે. અને નવી બોડી પણ અત્યારે તો ચૂંટાય ગઇ હોત.  પરંતુ કોરોનાના કારણે સમગ્ર ગુજરાતમાં અન્ય સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓ ૩ માસ પાછી ઠેલાણી છે તેની સાથે કેશોદ નગરપાલિકાની ચૂંટણી પણ ૩ માસ પાછી ઠેલાયેલી છે અને આ ત્રણ માસની મુદત પુરી થવામાં છે જેથી નવી બોડી ચંૂટી કાઢવા માટેની જનરલ ઇલેકશન અત્યારે શહેરના દરેક નાગરીકના ઘરના આંગણામાં આવીને ઉભી છે.

નગરપાલીકાની વર્તમાન બોડીને લાગે વળગે છે ત્યાં સુધી અત્યારે ૩૬ સભ્યો છે. જેમાંથી ર૬ સભ્યો ભાજપના અને ૧૦ કોંગ્રેસના છે. પુરા થતા સવા પાંચ વરસના શાસન દરમિયાન આ સભ્યોમાંથી કોઇ આધુ - પાછુ નથી થયુ પરિણામે પાંચ વરસ દરમિયાન કયારેય પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત આવી નથી. પાંચ વરસ દરમિયાન બે પ્રમુખ આવ્યા છે, બન્ને પ્રમુખ ભાજપના જ આવ્યા છે અને બન્નેએ અઢી-અઢી વરસ શાંતિથી પસાર કર્યા છે.

પાંચ વરસ દરમિયાન બન્ને પ્રમુખોએ પોતાના હોવાની મુદત શાંતિથી પસાર કરી છે કે ચૂંટાયેલા સભ્યોએ પુરે પુરો સહકાર આપ્યો તેમ છતાં એ જયારે નવી ચૂંટણી આવી રહી છે. તેમાં લગભગ અડધા સભ્યોને જે કોઇ ચમત્કાર ન થાય તો ઘરે બેસવાનો વારો આવશે તેવુ અત્યારે તો જણાવાય રહ્યું છે.

પાર્ટી તરફથી 'નો-રીપીટ' ની પધ્ધતિ અમલમાં મુકાય તો તે કોઇના માટે ચાન્સ નથી પરંતુ આ પધ્ધતિનો અમલ થાય તેવી શકયતા બહુ ઓછી છે.   પરંતુ અડધા આસપાસને અખતરો થાય તેવી શકયતા બહુ ઓછી છે. જયારે આ માટેના કારણોમાં જે તે સભ્યોની પાર્ટી પ્રત્યેની વફદારીનો અભાવ, પોતાના વિસ્તારમાં મતદારો સાથેના જીવંત સંપર્કનો અભાવ, પાર્ટી તરફથી અલગ-અલગ પ્રસંગે અપાતા કાર્યક્રમ દરમિયાન સક્રિયતાનો અભાવ, ફરી ચૂંટાય આપવાની શકયતાનો અભાવ, વિગેરે જોવા કારણો કામ કરી જશે તેમ જણાવાય છે. જો કે તાજેતરના મુખ્યમંત્રીના સ્થાનિક કાર્યક્રમ દરમિયાન આ બધા સભ્યોએ પોતાની રાજકીય મુડી ઉભી કરવા માટે ઠીકઠીક દોડાદોડી કરી હતી.  તેમ છતાં એ આ બધાનો મેળ પડવો મુશ્કેલ છે. તેમ ખુદ ભાજપના જ વર્તુળો જણાવી રહ્યા  છે. આગામી નગરપાલિકા બોર્ડી ભાજપની જ આવે તે માટેના તમામ પ્રયાસો થવાના છે. અને તેના એક ભાગરૂપે જ આ પરિવર્તન પણ થનારા છે. એટલુ જ નહિ પરંતુ જે તે વોર્ડમાં ચૂંટાય શકે તેવો ઉમેદવર ભાજપ પાસે નહિ હોય તો વિપક્ષના પણ ઉમેદવારને ભાજપમાં પ્રવેશ આપી ભાજપની ટીકીટ ઉપર લડાવશે. એક એક બેઠક ઉપર રસાકસી પુરેપુરી થશે તેમાં બેમત નથી.

(12:05 pm IST)