સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

સૌરાષ્ટ્ર - કચ્છમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

ગામે-ગામ ધ્વજવંદન, પ્રભાતફેરી, દેશભકિત ગીતોનું ગાન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

પ્રથમ તસ્વીરમાં ખંભાળીયામાં અને બીજી તથા ત્રીજી તસ્વીરમાં ટંકારામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી તે નજરે પડે છે. (તસ્વીર : કૌશલ સવજાણી - ખંભાળીયા, હર્ષદરાય કંસારા - ભાવિન સેજપાલ - ટંકારા)

રાજકોટ તા. ૨૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સર્વત્ર ભારતના રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.

પ્રભાતફેરી, ધ્વજવંદન, દેશભકિત ગીતોનું ગાયન, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : ખંભાળીયાની વિજય ચેરી. હાઇસ્કુલ તથા નવીવાડી પ્રાથમિક શાળામાં સંયુકત રીતે આજે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રાથમિક શાળામાં છાત્રોને આવવાનું ના હોય વિજય હાઇસ્કુલના ધો. ૧૦-૧૨ના છાત્રો તથા શિક્ષકોએ અત્યંત સાદાઇથી તથા માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્શની ગાઇડ લાઇનના પાલન સાથે ઉજવણી કરી હતી.

ઝંડા ગીત, વંદે માતરમ, જનગણમન વિ. ગીતો ગાઇને ઝંડાને સલામી અપાઇ હતી તથા ધો. ૧૨ની છાત્રા રીશીતા નકુમ તથા ઇલાબેન વાઢેરના હસ્તે ધ્વજવંદન થયું હતું.

શાળાના આચાર્યશ્રી હિતેન્દ્રભાઇ તથા પ્રા.શા.ના નવીવાડી શાળાના શ્રી ચોપડાભાઇએ પ્રાસંગિક વકતવ્યો કર્યા હતા.

ટંકારા

(હર્ષદરાય કંસારા - ભાવિન સેજપાલ) ટંકારા : ભારતભરમાં ૭૨માં પ્રજાસત્તાક પર્વની શાનથી ઉજવણી કરાયેલ છે. ટંકારામાં તાલુકા કક્ષાની ઉજવણી કરાયેલ. ટંકારામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયેલ. મામલતદાર એમ. પી. શુકલ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવેલ અને સલામી અપાયેલ.

મામલતદાર એમ.પી. શુકલ દ્વારા પોલીસ તથા હોમગાર્ડ પરેડનું નિરીક્ષણ કરાયેલ. તેમજ પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવેલ. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તાલુકા વિકાસ અધિકારી એમ. એમ. તરખાલા મેડીકલ ઓફિસર ડોકટર વી.બી. ચીખલીયા ફોરેસ્ટર કૂંડાળીયા, બી.આર.સી. કો.ઓર્ડી નેટ કલ્પેશ ફેફર, ટંકારા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા, કોંગ્રેસ પ્રમુખ ભુપતભાઈ ગોધાણી, માજી સરપંચ ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી, પ્રભુલાલ કામરીયા, એડવોકેટ સંજયભાઈ ભાગિયા , આર. જી. ભાગીયા તથા સરકારી કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહેલ .

મામલતદાર એન. પી. શુકલ તથા તાલુકા વિકાસ અધિકારી એમ. એમ . તરખાલા તથા તથા આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ થયું હતું. સંચાલન આચાર્ય ભાવેશભાઈ સંઘાણી તથા ચેતનભાઇ ભાગીયાએ કર્યું હતું.

(10:19 am IST)